આઈસીસી ટેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 5 વખત ટક્કર થઈ છે
ચેમ્પિયન્સ ટ્રોફીનો આરંભ થઈ ગયો છે. ICC ટુર્નામેન્ટ માટે કુલ આઠ દેશો ક્વોલિફાય થયા છે, જેને ચાર ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જો આપણે ગ્રુપ A પર નજર કરીએ તો તેમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. દુનિયાભરના લોકો 23 ફેબ્રુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ દિવસે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચ યોજાવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટની શરૂઆત 1998 માં થઈ હતી. ત્યારબાદ, આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન કુલ પાંચ વખત એકબીજા સામે ટકરાયા છે. આ પાંચ મેચોમાં પાકિસ્તાન 3 વાર જીત્યું છે અને ભારતીય ટીમ ફક્ત બે વાર જ વિજયી બની છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમનો પહેલો મુકાબલો 2004માં થયો હતો, જ્યાં પાકિસ્તાની ટીમ 3 વિકેટથી જીતી ગઈ હતી. તે પછી, 2009 માં, ફરી એકવાર પાકિસ્તાની ટીમ વિજયી સાબિત થઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન પર પહેલો વિજય 2013 માં થયો હતો, જ્યારે તેણે તેના કટ્ટર હરીફને 8 વિકેટથી હરાવ્યું હતું. 2017 માં તેમની વચ્ચે બે વાર ટક્કર થઈ હતી. ગ્રુપ સ્ટેજમાં, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 124 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું, પરંતુ જ્યારે તેઓ ફરીથી ફાઈનલમાં ટકરાયા ત્યારે પાકિસ્તાને ભારતીય ટીમને 180 રનથી હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી.
2004 ચેમ્પિયન્સ ટ્રોફી - પાકિસ્તાન 3 વિકેટથી જીત્યું
2009 ચેમ્પિયન્સ ટ્રોફી - પાકિસ્તાન 54 રને જીત્યું
2013 ચેમ્પિયન્સ ટ્રોફી - ભારત 8 વિકેટે જીત્યું
2017 ચેમ્પિયન્સ ટ્રોફી - ભારત 124 રનથી જીત્યું
2017 ચેમ્પિયન્સ ટ્રોફી (ફાઇનલ) - પાકિસ્તાન 180 રનથી જીત્યું
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં અગાઉના બંને ફાઇનલ રમી ચૂકી છે. 2013 માં, એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ, તેણે ટાઇટલ મુકાબલામાં ઇંગ્લેન્ડને ૫ રને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું અને ટાઇટલ મેચ પહેલા ટીમ ઇન્ડિયા ખૂબ જ સારા ફોર્મમાં હતી, પરંતુ ફાઇનલમાં પાકિસ્તાને તેને 180 રનથી હરાવ્યું હતું.