અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્નિફર ડોગ ડ્રગ્સ-ગાંજાની હેરાફેરી પકડશે
- ગુજરાત પોલીસના તાલીમબદ્ધ સ્નિફરડોગ ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખશે,
- અગાઉ કસ્ટમ્સ વિભાગે હાયર કરેલા ડૉગે 4 કન્સાઇન્ટમેન્ટ ઝડપવામાં મદદ કરી હતી,
- કોઈ પણ શંકાસ્પદ બેગેજમાં નાર્કોટિક્સ અથવા ગાંજો હોય તો તે તરત જ ઓળખી લે છે
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટર નેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા કેટલાક પ્રવાસીઓએ બગેજમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા હોય છે. ડ્રગ્સ અને ગાંજો બગેજના ચેકિંગ દરમિયાન સ્નેકરમાં પણ પકડાતો નથી. આવી હવે નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે ગુજરાત પોલીસે સ્નીફર ડોગને તાલીમ આપીને તૈયાર કર્યા છે. ગુજરાત પોલીસનો ટ્રેઇન્ડ સ્નિફર ડૉગ હવે એરપોર્ટ પર કસ્ટમ્સની ટીમનો હિસ્સો બની ગયો છે, જે પળવારમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી ઓળખી લે છે. આ ડૉગ નાર્કોટિક્સને પળવારમાં ઓળખી લેવાની ક્ષમતા ધરાવે છે અને તેની મદદથી પહેલેથી જ ચાર કન્સાઇન્મેન્ટ ઝડપાઈ ચૂક્યા છે.
કસ્ટમ વિભાગના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા કેટલાક મહિનાથી સોનાની દાણચોરી સાથે ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીમાં ભારે વધારો થયો છે. કેટલીક વાર માહિતીના આધારે પેડલર્સ ઝડપાઈ જાય છે પરંતુ ઘણી વાર માલ સલામત રીતે બહાર પણ નીકળી જતો હોય છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને કસ્ટમ્સ વિભાગે ગુજરાત પોલીસનો ખાસ ટ્રેઇન્ડ સ્નિફર ડોગ હાયર કર્યો છે. આ ડૉગને ઍરપોર્ટ પર કસ્ટમ્સ ક્લિયરન્સ, ઇમિગ્રેશન તથા કન્વેયર બેલ્ટ પાસે તૈનાત કરવામાં આવ્યો છે. કોઈ પણ શંકાસ્પદ બેગેજમાં નાર્કોટિક્સ અથવા ગાંજો હોય તો તે તરત જ ઓળખી જાય છે. અત્યાર સુધી તેની મદદથી ચાર મોટા કન્સાઇન્મેન્ટ પકડી લેવામાં સફળતા મળી છે. કસ્ટમ્સે આ ડોગને સામાન્ય નહીં, પરંતુ ક્લાસ-ટુ ઓફિસર જેવી સુવિધાઓ આપી છે. તેને લાવવા- લઇ જવા એસી ગાડી, યોગ્ય ખોરાક, આરામદાયક વાતાવરણ અને તેના માટે ખાસ પોલીસ સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. આ વ્યવસ્થા એટલા માટે ગોઠવાઈ છે કે ડોગ હંમેશાં તંદુરસ્ત અને એલર્ટ રહી શકે. હાલ સીઆઇએસએફ પાસે પણ લેબ્રાડોર જાતિના ટ્રેઇન્ડ ડોગ્સ છે, જે ટર્મિનલ બિલ્ડિંગ અને વીવીઆઇપી મૂવમેન્ટ દરમિયાન સતત પેટ્રોલિંગ કરે છે.
સૂત્રોએ વધુમાં કહ્યુ હતું કે, એરપોર્ટ પર ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી સતત વધી રહી છે અને આગામી દિવસોમાં ત્રણ નવા સ્નિફર ડોગ્સની ટીમને ચોવીસે કલાક એરપોર્ટ પર તહેનાત કરવાની યોજના છે.