સ્માર્ટ વીજ મીટર લગાવનારાને 2 ટકા રિબેટ છતાંયે રિસ્પોન્સ મળતો નથી
- ગુજરાતમાં કૂલ 2.96 સ્માર્ટ મીટર લાગ્યા,
- સૌરાષ્ટ્રમાં લોકોને રિબેટની લાલચ છતાં સ્માર્ટ મીટર લગાવવા તૈયાર થતા નથી,
- સ્માર્ટ મીટરથી વધુ વીજ બિલો આવતા હોવાનો લોકોમાં ભય
અમદાવાદઃ ગુજરાતમા સ્માર્ટ વીજ મીટર લગાવવા સરકારી માલિકીની વીજ કંપનીઓ તેના ગ્રાહકોને સમજાવી રહી છે. અને પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાવાશે તો વીજ બિલમાં બે ટકા રિબેટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સરકારી વીજ કંપનીઓના લાખ પ્રયાસો છતાંયે હજુ જોઈએ એવો લોકોમાંથી રિસ્પોન્સ મળતો નથી.રાજયભરમાં વિજ કંપનીઓએ દાખલ કરેલી સ્માર્ટ મીટર યોજનાનો ફિયાસ્કો થાય એવો ઘાટ સર્જાયો છે. રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાંથી નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. વધુ વીજ બિલ આવશે એવા ભયના કારણે લોકો સ્માર્ટ મીટર લગાવવા દેતા નથી.
વિજ કંપનીઓએ સ્માર્ટ મીટર લગાવે તેમને વીજ બિલમાં બે ટકા રાહત આપવામાં આવશે એવી જાહેરાત છતાં સ્માર્ટ મીટર લગાવવામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર 29023 સ્માર્ટ મીટર જ લગાવી શકાયા છે. સમગ્ર રાજયમાં કુલ 2,96,004 સ્માર્ટ મીટર લાગ્યા છે. જેમાં ઉતર ગુજરાત વિજ કંપની યુજીવીસીએલમાં સૌથી વધુ 146805, એમજીવીસીએલમાં 65052 તથા પીજીવીસીએલમાં 55124 સ્માર્ટ મીટર લાગ્યા છે. સ્માર્ટ મીટર યોજના હેઠળ વિજબીલનાં એનર્જી ચાર્જમાં બે ટકાનું રીબેટ આપતુ હોવા છતા ગ્રાહકોમાં રસ ઉભો થતો નથી. યુનિટદીઠ 3.50 રૂા.એનર્જીનાં ચાર્જમાં ગ્રાહકોને બે ટકાની માફી મળે છે.
વીજ કંપનીઓના કહેવા મુજબ રાજયની વીજ વિતરણ પ્રણાલીમાં પરિવર્તન લાવવા અને આધુનિક બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી રિવેમ્પ્ડ ડીસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ હેઠળ એક નોંધપાત્ર પહેલ સ્માર્ટ મીટરીંગ પ્રોજેકટ સમગ્ર દેશના અન્ય રાજયોની સાથે ગુજરાતમાં પણ અમલમાં મુકવામાં આવી છે. આ પ્રોજેકટ વીજ પુરવઠાની કાર્યક્ષમતા વિશ્ર્વસનીયતા અને પારદર્શીતા વધારવા માટે અદ્યતન ટેકનોલોજીના લાભથી ગ્રાહકોને ડેટા અને તેમના ઉર્જા વપરાશ પર નિયંત્રણ રાખવા માટે સશકત બનાવે છે.