સીરિયામાં સ્થિતિ વણસીઃ ભારત સરકારે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી
નવી દિલ્હી: સીરિયામાં દિવસેને દિવસે બગડતી પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલયે સીરિયા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી આ એડવાઈઝરી સીરિયાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આવી છે. હાલમાં સીરિયાની મુસાફરી ખૂબ જ જોખમી છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, "સીરિયામાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગામી આદેશો સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે." તેમજ જે લોકો સીરિયામાં છે તેઓને વહેલી તકે સીરિયા છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર અને ઈમેલ આઈડી પણ જારી કર્યો છે.
હકીકતમાં છેલ્લા એક સપ્તાહમાં હયાત તહરિર અલ શામ નામના વિદ્રોહી સંગઠને સીરિયામાં મોરચો ખોલ્યો છે. તે રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સત્તા પરથી હટાવીને પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવા માંગે છે. આ શ્રેણીમાં તે સીરિયાના શહેરો પર સતત હુમલા કરીને કબજો કરી રહ્યો છે. વિદ્રોહીઓએ 30 નવેમ્બર 2024ના રોજ સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો પર કબજો કરી લીધો હતો. આ પછી તેઓ દક્ષિણમાં હામા પ્રાંત તરફ ગયા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે વિદ્રોહીઓએ ઉત્તરી અને મધ્ય હમાના 4 નગરો પર પણ કબજો કરી લીધો છે. આ બળવાખોરો તેમના મિશનને પૂર્ણ કરવા માટે સામાન્ય લોકોની હત્યા કરી રહ્યા છે. તેમના પ્રારંભિક હુમલામાં જ, બળવાખોરોએ જંગી નરસંહાર કર્યો, એક જ હુમલામાં 300 લોકો માર્યા ગયા.