સૌરાષ્ટ્રના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સુચના
- દરિયામાં 15થી 20 ફૂટ જેટલાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે,
- મોટી સંખ્યામાં બોટ્સ દરિયા કિનારે લાંગરવામાં આવી,
- ભારે પવનને લીધે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પનવ ફુંકાતા સૌરાષ્ટ્રના બંદરો પર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવાની તેમજ દરિયામાં રહેલી બોટોને કિનારે પરત લાવવાની સૂચના આપવામાં આવી છે. દરિયામાં 15થી 20 ફૂટ જેટલાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને કરંટ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 25 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે 26 ઓક્ટોબરે ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભાવનગરના દરિયાકાંઠા વિસ્તારોના બંદર પર ત્રણ નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે તમામ માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને ઘોઘા બંદર પરથી તમામ બોટો પરત બોલાવવામાં આવી છે અને બંદર વિસ્તારમાં સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યા છે. અને સામાન્ય નાગરિકોને પણ તટ વિસ્તારોથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ રીતે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદ અને પવનના પ્રભાવને પગલે તંત્ર સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.
હવામાન વિભાગની આગાહીના પગલે જુનાગઢના માંગરોળ બંદર પર બપોરે 2 વાગ્યાથી જ ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે. પોર્ટ ઓફિસર તરફથી સૂચના મળતા તમામ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ દરિયામાં 15થી 20 ફૂટ જેટલાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને કરંટ જોવા મળી રહ્યો છે, જેના પગલે બંદરને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.