પાટડી નજીક અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા 3 યુવાનના મોત
સુરેન્દ્રનગર: પાટડી તાલુકામાં એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ ગોઝારી દુર્ઘટના પાટડી નજીક આવેલા નાવિયાણી ગામ પાસે સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાઈક પર સવાર ત્રણ યુવકોને એક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયંકર હતી કે, ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવકો પાટડી તાલુકાના એરવાડા ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ કરુણ ઘટનાને પગલે એરવાડા ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલમાં, પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહનની સઘન શોધખોળ શરૂ કરી છે.