ગુજરાતમાં સિદ્દી સમુદાયે 72 ટકાથી વધુ સાક્ષરતા દર હાંસલ કર્યો, રાષ્ટ્રપતિએ કરી પ્રશંસા
જૂનાગઢઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આફ્રિકન મૂળના આદિજાતિ સિદ્દી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી હતી. તેમણે આદિવાસી લોકોને સશક્તિકરણ અને પ્રગતિના સાધન તરીકે શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સિદ્દી સમુદાયે 72 ટકાથી વધુ સાક્ષરતા દર હાંસલ કર્યો છે. રાષ્ટ્રપતિએ સમુદાયને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર રહેવા અનુરોધ કર્યો. રાષ્ટ્રપતિ મુર્મુએ આદિવાસી સમુદાયોની પ્રકૃતિ-મૈત્રીપૂર્ણ જીવનશૈલીની પણ પ્રશંસા કરી હતી, તેને ટકાઉ જીવન માટે પ્રેરણાનો સ્ત્રોત ગણાવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન અને જાળવણી કરતા ન્યાયી અને સમાવિષ્ટ સમાજના નિર્માણમાં આદિવાસી લોકોની સક્રિય ભાગીદારી મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સમાનતા, ન્યાય અને આદિવાસી અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવું જરૂરી છે. અગાઉ, રાષ્ટ્રપતિએ ગીર સોમનાથ જિલ્લામાં પ્રખ્યાત સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રપતિ ગુરુવારે રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત પહોંચ્યા હતા.
દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનના દર્શન કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અમદાવદામાં ગૂજરાત વિદ્યાપીઠના 71માં દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. આ વર્ષે કુલ 713 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. 9 વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયક કરાશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીજી દ્વારા 18 ઓક્ટોબર 1920ના રોજ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરાઈ હતી.