વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ ઝંપલાવશે
- વિસાવદરની ચૂંટણી જાહેર થાય તે પહેલા રાજકીય ગરમાવો
- આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે
- સત્તા વિરોધ મતો વહેચાઈ જતા ભાજપને ફાયદો થશે
જૂનાગઢઃ જિલ્લાના વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપીને પક્ષપલટો કરીને ભાજપમાં પ્રવેશ કરતા બેઠક ખાલી પડી છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હજુ જાહેર કરવામાં આવી નથી. પણ મહિનાઓમાં પેટા ચૂંટણી થવાનું નક્કી હોવાથી આમ આદમી પાર્ટીએ ગોપાળ ઈટાલિયાના નામની જાહેરાત કરી છે. અને ગોપાલ ઈટાલિયાએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. બીજીબાજુ કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની ઘસીને ના પાડી દીધી છે. એટલે પેટા ચૂંટણીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવવાનો નક્કી છે, ત્યારે શંકરસિંહ વાઘેલાના પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવવાનું એલાન કર્યુ છે. શંકરસિંહ વાઘેલાએ વિસાવદરમાં કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજી હતી. જો કે રાજકીય ગલીયારોમાં એવી ચર્ચા છે. કે, ભાજપ સામે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ પાર્ટી લડશે તો સત્તાવિરોધી મતો વહેચાઈ જશે. અને એનો સીધો ફાયદો ભાજપને થશે.
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ, AAP બાદ હવે શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવ્યા છે. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ જૂનાગઢમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. અને વિસાવદરના કાર્યકરો સાથે પણ ચર્ચા કરી હતી. વિસાવદરની પેટાચૂંટણી હજી સુધી જાહેર થઈ નથી, પરંતું રાજકીય પાર્ટીઓની સક્રિયતાને લઈને ગુજરાત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વિસાવદરની ચૂંટણીમાં આપ, કોંગ્રેસ અને ભાજપ બાદ ચોથી રાજકીય પાર્ટીની એન્ટ્રી થઈ છે.
વિસાવદરની પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની હિલચાલ તેજ બની છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની ગતિવિધિ તેજ બની છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જૂનાગઢની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અને આજે વાઘેલાએ વિસાવદર ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. વિસાવદરની મુલાકાત પહેલાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમજ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીને જીતાડવા લોકોને અપીલ કરી હતી.
આમ આદમી પાર્ટી એકલા હાથે વિસાવદરની ચૂંટણી લડશે, કોંગ્રેસે ગઠબંધન કરવાની ના પાડી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવાર જાહેર કરે તે શક્યતા ઓછી છે. ત્યારે શંકરસિંહ બાપુ પણ અત્યારથી એક્ટિવ થઈ ગયા છે. વિસાવદર ખાતે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તા સંમેલનને યોજ્યું હતું. આ સંમેલન વિસાવદરના સુંદરબા બાગ હોલ ખાતે યોજાયું હતું. વિસાવદર વિધાનસભા બેઠક માટે સંભવિત પેટાચૂંટણી પહેલા યોજાઈ રહેલું આ સંમેલન રાજકીય રીતે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. શંકરસિંહ વાઘેલા આ સંમેલન દ્વારા જૂનાગઢ જિલ્લાના વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાશક્તિ પાર્ટીનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.