અમદાવાદ ખાતે ‘શબ્દ-સાધના’ નિબંધસ્પર્ધા પુરસ્કાર અર્પણ સમારોહ
અમદાવાદઃ આપણી યુવા પેઢી તથા નાગરિકોને દેશનું ગૌરવ, રાષ્ટ્રના સાંપ્રત મુદ્દાઓ વગેરે વિશે વિચારતા કરવા માટે લેખન દ્વારા એક પ્લેટફોર્મ પૂરુ પાડવાના શુભ આશય સાથે ‘સાધના’ સાપ્તાહિક અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા નિબંધસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિબંધ સ્પર્ધા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ દિ. ૩ ઑગસ્ટના રોજ કાંકરીયા વિસ્તાર સ્થિત ડૉ. હેડગેવાર ભવન ખાતે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સમારોહના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ર્ચિમ ક્ષેત્રના મા. સંઘચાલક જયંતિભાઈ ભાડેસીયાજી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં ‘સાધના’ સાપ્તાહિક અને ગુજરાત સાહિત્ય અકાદમીના આ સમન્વિત પ્રયાસને આવકારતાં કહ્યું હતું કે, વિચારવાની ક્ષમતા આજની યુવાપેઢીમાં છે જ, બસ તેને બહાર લાવવાની જરૂર છે. પોતાના વિચારોને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે સતત વાંચનની જરૂર છે. યુવા વાંચશે તો વિચારશે અને વિચારશે તો લખવા માટે પ્રેરાશે. બસ, આના માટે પ્રયત્નોપૂર્વકના પ્રયોગો કરવાની જરૂર છે. સાધના સાપ્તાહિક અને ગુજરાત સાહિત્ય અકાદમીએ આ પ્રયોગ કરી યુવાપેઢીને લખતી કરવાનો નવતર પ્રયોગ કર્યો છે, તે પ્રશંસનીય છે. નિબંધ સ્પર્ધાના વિષયો પણ ભારતની ઓળખના વિષયો હતા ત્યારે આ વિષયોને હવે વ્યવહારિકતામાં લઈ જવાની જરૂર છે.’
આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે પોતાના પ્રસંગોચિત્ત ઉદ્બોધનમાં કહ્યું હતું કે, ‘નિબંધ સ્પર્ધામાં નવી જનરેશન જેને ઝેન-જી કહેવામાં આવે છે તેના તરફથી ૨૦૦ નિબંધો મળ્યા તે આપણી યુવાપેઢીને લઈ જે નકારાત્મક વિમર્શો ફેલાવવામાં આવી રહ્યા છે તેનો જવાબ છે. આજની યુવાપેઢી બેજિકથી નહીં લોજિકથી માનવાવાળી છે. તેને કોઈપણ વિમર્શમાં તર્ક જોઈએ છે. આપણે તેને એ તર્ક, એ લોજિક આપવાની જરૂર છે. નવી પેઢીને રાષ્ટ્રીય વિચારો આપનારા ‘સાધના’ સાપ્તાહિકનો આ વિચાર ખરેખર પ્રેરક છે. ભારત અને ભારતીયતાના એ વિચારો યુવાપેઢીમાં જાય તે માટે આ નિબંધસ્પર્ધા એક પ્રેરણા છે. રાષ્ટ્રીયતાને વરેલા કોઈપણ વિષયો હોય તેમાં સાહિત્ય અકાદમી જરૂરથી સહયોગ આપશે.’
ઉલ્લેખનીય છે કે, ‘સાધના’ સાપ્તાહિક અને સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ નિબંધ સ્પર્ધમાં ગુજરાતના ૨૯ જિલ્લા અને તમામ મહાનગરોમાંથી ૩૦૦થી વધારે પ્રતિયોગીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાંથી ૨૬ પ્રતિભાગીઓને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રા.સ્વ.સંઘના ગુજરાત પ્રાંતનાં પ્રચાર પ્રમુખ તેજસભાઈ પટેલ, ‘સાધના’ સાપ્તાહિકના તંત્રી ભાનુભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. તથા રા.સ્વ.સંઘના મા. પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટલે, સહ પ્રાંત કાર્યવાહ સુનિલભાઈ બોરીસા, નિવૃત્ત હાઈકોર્ટ ન્યાયાધીશ રવિજી ત્રિપાઠી, ‘સાધના’ના ટ્રસ્ટી પ્રવીણભાઈ ઓતિયા, સુરેશભાઈ ગાંધી, રસીકભાઈ ખમાર, ઉત્કંઠભાઈ ભાંડારી સહિત પત્રકારિતા તથા સાહિત્ય જગતના અનેક મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.