બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા
- અમીરગઢના 10 ગામોમાં પીવાના પાણી માટે હાડમારી
- આદિવાસી વિસ્તારના લોકોએ માટલા સાથે પાણી પુરવઠા કચેરીએ કર્યો વિરોધ,
- અધિકારીએ ટેન્કરથી પાણી પહોંચાડવાની ખાતરી આપી
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળે કેટલાક ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે જિલ્લાના અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારમાં લોકો પીવાના પાણીની હાડમારીનો સામનો કરી રહ્યા છે. અમીરગઢ તાલુકાના 10 ગામના રહીશો માટલા અને બેનરો સાથે પાલનપુરની પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચ્યા હતા. સુરેલા, અજાપુરમોટા, અજાપુરવોકા, રબારણ, મોડલીયા અને ખજૂરીયા સહિતના ગામોના લોકોએ સૂત્રોચ્ચાર સાથે પાણીની માંગ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સરકારે મોટા ટાંકા અને સંપ બનાવ્યા છે અને તેમાં પાણી ભરવામાં આવ્યું છે. પરંતુ તેમના ફળિયા સુધી પાણી કે નળ કનેક્શન પહોંચ્યા નથી.
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના 10 ગામના લોકો પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આદિવાસી સમાજના લોકોએ આક્ષેપ કર્યો કે 'નલ સે જલ' યોજના માત્ર કાગળ પર જ છે. જો તાત્કાલિક પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરાશે. લોકોની રજુઆત બાદ પાણી પુરવઠા અધિકારીએ સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. જ્યાં પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવું મુશ્કેલ છે, ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવશે. અધિકારીએ પોતાની ટીમને ગામલોકો સાથે મળીને સમસ્યાનું સમાધાન કરવા મોકલવાની પણ ખાતરી આપી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમીરગઢ વિસ્તારના મોટાભાગના આદિવાસી લોકો ડુંગરાળ પ્રદેશના ફળિયામાં રહે છે. સરકારે નર્મદાનું પાણી આ વિસ્તાર સુધી પહોંચાડવા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ વિખરાયેલી વસ્તી અને ભૌગોલિક પડકારોને કારણે પાણી વિતરણમાં મુશ્કેલી આવી રહી છે. હવે આ વિસ્તારોને ટેન્કર દ્વારા પાણી પુરવઠો પહોંચાડવામાં આવશે.