ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા સેન્સની પ્રકિયાનો પ્રારંભ
- તા.30મી સુધીમાં તમામ ઉમેદવારોની પસંદગી કરી લેવાશે
- ભાજપમાં ટિકિટ મેળવવા ટિકિટ વાંચ્છુઓનો રાફડો
- ભાજપને ડેમેજ કંન્ટ્રોલ કરવું અઘરૂ પડશે
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રકિયા હાથ ધરવામાં આવી છે. આજે સોમવારથી ભાજપ દ્વારા સેન્સની પ્રકિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જુનાગઢ મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં ભાજપનું વર્ચસ્વ હોવાને કારણે ઉમેદવારોની પણ લાઈનો લાગશે. ભાજપમાં પણ હવે જુથવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌને સાથે રાખીને ચાલવા માટે ડેમેજ કંન્ટ્રોલ કરવું ભાજપને અઘરૂ પડશે. એવું હાલ લાગી રહ્યું છે.
ગુજરાતમાં જુનાગઢ મહાપાલિકા ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છની 32 નગરપાલિકાઓની સામાન્ય તથા બોટાદ-વાંકાનેર નગરપાલિકામાં મધ્ય સત્ર ચૂંટણી ઉપરાંત ત્રણ તાલુકા પંચાયત અને અન્ય જીલ્લા પંચાયતની મહાનગરપાલિકા અને નગરપાલિકા, તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો માટે ઉમેદવારી પત્રકો ભરવાનો પ્રારંભ થયો છે પણ ચુંટણીમાં જેની સીધી ટકકર છે તે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ આજે સોમવારથી શરૂ કરવામાં આવી છે. આ સપ્તાહના અંતે એટલે કે 31 જાન્યુઆરી, 1 ફેબ્રુઆરીના મોટાભાગના માન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના ફોર્મ રજુ કરે તેવી શક્યતા છે અને તા.4 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારો અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં જે રીતે અનેક મુદાઓના કારણે રાજકીય વાતાવરણ પણ બગડી રહ્યું હતું તેનો પ્રભાવ વધે તેવો ભય હતો અને કોંગ્રેસ પક્ષ પણ ગત વિધાનસભા ચૂંટણી બાદ કોઈ મોટો કમ-બેક કરે તેવી સ્થિતિમાં નહી હોવાથી ભાજપે ચુંટણીમાં જવા સરકારને લીલીઝંડી આપી દીધી હતી જે બાદ ચુંટણી પંચે ગત સપ્તાહે ચુંટણી જાહેર કરતા જ હવે રાજયમાં ફરી એક વખત ચુંટણીની ગરમી ખાસ કરીને 27 જેટલા જીલ્લાઓમાં નજરે પડશે. પ્રદેશ પ્રમુખ કે મહાનગર-જિલ્લા પ્રમુખોની નિયુક્તિ હવે ચુંટણી બાદ જ થશે તેવા સંકેતો વચ્ચે ભાજપે આજથી જ રાજયભરમાં જયાં જયાં ચુંટણીઓ યોજાવાની છે તે ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓના ઉમેદવાર નકકી કરવા આજથી તેમના નિરીક્ષકોને મોકલી આપ્યા છે અને આજે તથા કાલે આ નિરીક્ષકો સંભવિત ઉમેદવારોને સાંભળશે અને કાર્યકર્તાઓની સેન્સ લેશે તે પછી તેઓ તા.29ના રોજ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની કોર કમીટી સમક્ષ તેનો રિપોર્ટ આપશે અને તા.30ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસે મળનારી બેઠક ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામોને લીલીઝંડી આપવામાં આવશે તથા તા.31 જાન્યુ. અને તા.1 ફેબ્રુઆરીના રોજ ભાજપના ઉમેદવારો પોતાના ફોર્મ ભરશે.
ભાજપનું મોવડીમંડળ હાલ દિલ્હી ચુંટણીમાં વ્યસ્ત છે અને ગુજરાતમાં સ્થાનિક ચુંટણીમાં કોઈ મોટો પડકાર દેખાતો નથી તેથી આ ચુંટણીનું સંચાલન પુરી રીતે ગાંધીનગરથી જ થશે અને મુખ્ય જવાબદારી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને તેમના ખાસ વિશ્વાસુ તથા મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના શિરે હશે.