સરદાર જ્યંતિઃ એકતાનગર ખાતે પ્રથમવાર દિલ્લીના ગણતંત્ર દિવસની જેમ પર ટેબ્લો પ્રસ્તુત કરાયા
કેવડિયાઃ ભારતની અસ્મિતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં દિલ્લી ખાતે ૨૬મી જાન્યુઆરી-ગણતંત્ર દિવસની થતી ભવ્ય ઉજવણીની તર્જ પર આ વર્ષે પ્રથમવાર એકતાનગર ખાતે પણ સશસ્ત્ર દળ અને વિવિધ રાજ્યો દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. જેમાં ‘એકત્વ’ની થીમ પર NSG, NDRF, આંદમાન એન્ડ નિકોબાર, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ કશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, પુડ્ડુચેરી અને ઉત્તરાખંડને મળીને કુલ ૧૦ ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
ગુજરાતનો ટેબ્લો: અખંડ ભારતની ગાથા
એકતાનગર ખાતેની ટેબ્લો પરેડમાં ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલો અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ગુજરાતના ટેબ્લોના મુખ્ય ભાગમાં દેશની તે ઐતિહાસિક ક્ષણને દર્શાવવામાં હતી, જ્યારે સરદાર સાહેબે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના કરકમલોથી ભાવનગર સ્ટેટનું ભારતીય ગણરાજ્યમાં વિલીનીકરણ કરાવીને દેશની એકતાના મિશનનો મજબૂત પાયો નાખ્યો હતો.
ટેબ્લોમાં સરદાર સાહેબની મક્કમ નિર્ણય શક્તિના પ્રતીક સમાન સોમનાથ મંદિર ઉપરાંત કચ્છના ભૂકંપના શહીદોની સ્મૃતિમાં બનેલા ભુજ સ્થિત સ્મૃતિવનને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે, જે ગુજરાતના શૌર્ય અને દ્રઢતાનું પણ પ્રતિક છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ જેવા સ્થાનિક એકમોની ઝલક દર્શાવીને રાજ્યની આર્થિક પ્રગતિને પણ ઝાંખી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
 
  
  
  
  
  
 