ઝારખંડના બોકારોમાં સુરક્ષા દળોએ 8 નક્સલીઓને ઠાર માર્યા
નવી દિલ્હીઃ ઝારખંડના બોકારો જિલ્લાના લાલપાનિયા વિસ્તારના લુગુ ટેકરીઓ ખાતે રાજ્ય પોલીસ સાથે મળીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન, સોમવારે (21 એપ્રિલ) વહેલી સવારે, સુરક્ષા દળોએ લાલપાનિયાના લુગુ ટેકરીઓમાં એક એન્કાઉન્ટરમાં 8 નક્સલીઓને ઠાર માર્યા હોવાનું જાણવા મળે છે. આ કાર્યવાહીમાં સામેલ પોલીસ કર્મચારીઓએ સ્થળ પરથી એક SLR અને એક INSAS રાઇફલ જપ્ત કરી હતી.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, "નક્સલવાદીઓ સાથેની એન્કાઉન્ટર દરમિયાન સૈનિકોને કોઈ ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. શોધખોળ કામગીરી સાથે વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલુ છે."
ઝારખંડના ચૈબાસામાં 12 એપ્રિલના રોજ IED વિસ્ફોટમાં ઝારખંડ જગુઆર ફોર્સના એક સૈનિકનું મોત થયું હતું. ચૈબાસા વિસ્ફોટની ઘટનામાં એક CRPF જવાન ઘાયલ થયો હતો. આ પહેલા ઝારખંડના ઝારાઈકેલામાં નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન બે સીઆરપીએફ જવાન ઘાયલ થયા હતા. આ ઘટના ઝારાઈકેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘાયલ સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને સારવાર માટે રાંચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.