ગાંઘીનગરમાં એક લાખથી વધુ બાકી હોય એવા પ્રોપર્ટીધારકોની 38 મિલકતો સીલ
- ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરો ન ભરનારા સામે કડક કાર્યવાહી,
- એક લાખથી વધુ વેરો બાકી હોય એવા 639 મિલ્કતધારકોને નોટિસ,
- મ્યુનિની સિલિંગ ઝૂંબેશને લીધે 11 કરોડનો વેરો ભરાયો
ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટે સમાયાંતરે ઝૂંબેશ ચલાવવામાં આવતી હોય છે. મ્યુનિ. કોર્પોરેશનનો આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. પણ ઘણાબધા કરદાતાઓ પ્રોપર્ટી ટેક્સ ભરતા જ નથી. આથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. ગાંધીનગરમાં એક લાખથી વધુનો બાકી મિલકત વેરો નહીં ભરનારા બાકીદારો સામે મ્યુનિએ સીલિંગ ઝૂંબેશ હાથ ધરી છે. જે અન્વયે 38 મિલકતોને સીલ મારી દેવામાં આવતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં ચાલુ નાણાંકીય વર્ષ 2024-25 દરમિયાન વર્ષની શરૂઆત 1 અપ્રિલથી 39 જુલાઈ સુધી મિલકતવેરો ભરનારા નાગરિકોને 10 % રીબેટનો લાભ આપી કુલ રૂ.52 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. જે બાકીદારો દ્વારા સમયમર્યાદામાં મિલકત વેરો ભરપાઇ કરવામાં આવેલો ન હોય તેવા 1 લાખથી વધુ રકમના કુલ 639 બાકીદારોને ગાંધીનગર મ્યુનિના મિલકતવેરા વિભાગ દ્વારા પ્રથમ અને આખરી નોટીસ આપી બીજો રૂ.11 કરોડ જેટલો વેરો વસુલાત કરવામાં આવ્યો હતો. ત્રણ વખત નોટીસ આપવા છતાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારા એક લાખથી વધુ રકમના બાકીદારો સામે મ્યુનિ.કોર્પોરેશને સીલીંગ ઝુંબેશ વધુ વેગવાન બનાવી છે. મ્યુનિની ટેક્સ શાખા દ્વારા મિલકત વેરો ભર્યો ન હોય તેવા કુલ 38 બાકીદારો સામે જપ્તી વોરંટ ઇશ્યુ કરીને મિલકતો સીલ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલું રાખવામાં આવશે.
મ્યુનિના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં ચાલુ નાણાંકીય વર્ષ 2024- 25 દરમિયાન 1 અપ્રિલથી 30 જુલાઈ સુધી મિલકતવેરો ભરનારા નાગરિકોને 10 ટકા રીબેટનો લાભ આપી કુલ રૂ.52 કરોડની વસુલાત કરવામાં આવી હતી. ત્યારબાદ જે બાકીદારો દ્વારા સમયમર્યાદામાં મિલકતવેરો ભરપાઇ કરવામાં આવ્યો ન હોય તેવા એક લાખથી વધુ રકમના કુલ 639 બાકીદારોને ગાંધીનગર મ્યુનિના મિલકતવેરા વિભાગ દ્વારા પ્રથમ અને આખરી નોટીસ આપી બીજો રૂ.11 કરોડ જેટલો વેરો વસુલાત કરવામાં આવ્યો હતો અને આખરી નોટીસ આપ્યા બાદ પણ જે બાકીદારો દ્વારા મિલકતવેરો ભરપાઈ કર્યો ન હોય તેવા બાકીદારોને ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરી કુલ ૩૮ જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે. એક લાખથી વધુ રકમના બાકીદારો સામે કાર્યવાહી ચાલી રહી છે અને હજુ પણ વધુ કડક પગલાં લેવામાં આવશે. ત્યારે હવે 50 હજારથી વધુ રકમના બાકીદારોને આખરી નોટીસ આપવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જે બાકીદારો દ્વારા મિલકતવેરો ભરપાઈ કરવામાં ન આવે તેવા બાકીદારોને આગામી સમયમાં ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરી મિલકતો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.