For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં કાળઝાળ ગરમી, કચ્છમાં રેડ એલર્ટ, અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યુ

05:42 PM Apr 07, 2025 IST | revoi editor
ગુજરાતમાં કાળઝાળ ગરમી  કચ્છમાં રેડ એલર્ટ  અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યુ
Advertisement
  • બે દિવસમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા
  • સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો
  • અસહ્ય ગરમીની જનજીવન પર અસર

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થતાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગઈકાલે કંડલામાં રેકર્ડબ્રેક 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ, જે દેશનું સૌથી વધુ તાપમાન હતું, જ્યારે ઝાલાવાડમાં પણ તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયા છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ હજુ બે દિવસ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

Advertisement

ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ સહિત અનેક શહેરોમાં હીટવેવને કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. આજે રાજકોટમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારે 43 ડિગ્રીએ પહોંચ્યો હતો. એપ્રિલ મહિનો શરૂ થતાં જ ગરમીએ કરંટ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં ગરમીનો પારો રોજબરોજ ઊંચો જઈ રહ્યો છે. દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. રવિવારે કંડલા એરપોર્ટ પર દેશમાં સૌથી વધુ 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. મે મહિનામાં ગરમી તમામ રેકર્ડ તોડશે એવું લાગી રહ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી એપ્રિલની શરૂઆતમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. પરંતુ, ત્યારબાદ હિટવેવની અસરથી 3 એપ્રિલથી ગરમીનો પારો ઉંચકાયો છે. છેલ્લાં ત્રણ-ચાર દિવસમાં અમદાવાદના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો છે. અસહ્ય ગરમીમાં બપોરના ટાણે લોકોને કામ વિના બહાર ન નિકળવા તંત્ર દ્વારા અપિલ કરવામાં આવી છે. વેધર મેપ પ્રમાણે, આવતી કાલે એટલે આઠમી તારીખે કચ્છ જિલ્લાના ઘણા ભાગોમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સુરત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓ તથા ભાવનગર અને બોટાદમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે નવમી તારીખે કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દસમી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાઓમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement