પ્રિ-સ્કૂલના નિયમોમાં ફેરફાર ન થાય તો નોંધણી વિના શાળાઓ શરૂ કરી દેવાશેઃ સંચાલક મંડળ
- પ્રિ-સ્કૂલના નિયમોમાં ફેરફાર કરવા સંચાલકોની માગણી
- 10 ટકા પ્રિ-સ્કૂલોએ પણ નોંધણી કરાવી નથી
- પ્રી-સ્કૂલ માટે 15 વર્ષ ભાડા કરારને કારણે 12 ટકા સ્ટેમ્પ ભરવો પડે છે
અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-સ્કૂલોના સંચાલકો માટે સરકારે નોંધણી ફરજિયાત બનાવ્યા બાદ કેલાક નિયમો અને શરતોને લીધે સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે પ્રિ-સ્કૂલ સંચાલકોએ સરકારને રજુઆતો પણ કરી હતી. અને શિક્ષણ મંત્રીએ આશ્વાસન પણ આપ્યું હતું, છતાં ભાડા કરાર સહિતના નિયમો હળવા કરવામાં આવ્યા નથી. આથી પ્રિ-સ્કૂલના નિયમોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો 16મી ફેબ્રુઆરી બાદ વિના નોંધણીએ પ્રિ સ્કૂલો શરૂ કરી દેવાની સંચાલક મંડળે ચીમકી આપી છે.
ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણનીતિનો સ્વીકાર કરાયા બાદ રાજ્યમાં ચાલતી પ્રી-સ્કૂલોની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. જો કે, તેમાં કેટલીક શરતોને લઈ પ્રી-સ્કૂલના સંચાલકોમાં ભારે નારાજગી છે. આ શરતો પરિપૂર્ણ થાય તેમ ન હોવાનું જણાવી થોડા સમય પહેલા રાજ્યભરની પ્રી-સ્કૂલના સંચાલકોએ હડતાળ પાડી હતી અને વિરોધ નોંધાવ્યો હતો.
રાજ્યમાં પ્રી-સ્કૂલની નોધણી ફરજિયાત કરવામાં આવી છે અને પ્રી-સ્કૂલની નોંધણી માટેના નિયમો પણ બનાવ્યા છે. જે નિયમોમાં છૂટછાટ માટેની અનેક વખત માંગણી કરવામાં આવી છે. ગત મહિને સંચાલક મંડળે શિક્ષ્ણમંત્રીને મળીને રજૂઆત કરી ત્યારે મંત્રીએ નિયમોમાં ફેરફાર કરવાની બાંયધરી આપી હતી. પરંતુ હજુ સુધી નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેને લઇને પ્રી-સ્કૂલ સંચાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે, 16 ફેબ્રુઆરી સુધી ફેરફાર કરવામાં નહીં આવે તો નોંધણી વિના પ્રી-સ્કૂલ ચલાવવામાં આવશે. મહત્વનું છે કે અત્યાર સુધી 10% જેટલી પ્રી-સ્કૂલોએ પણ નોંધણી કરાવી નથી.
નવી શિક્ષણ નીતિ મુજબ પ્રી-સ્કૂલની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રી-સ્કૂલની નોંધણી કરાવ્યા બાદ નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે. જેનો ફરજિયાત અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે નવા નિયમોના કારણે સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. સંચાલકો નવા નિયમોથી સહમત ન હોવાથી નવા નિયમોમાં ફેરફાર કરવાની માંગણી કરી છે. સંચાલકોએ લેખિતમાં તથા શિક્ષણ મંત્રીને રૂબરૂ મળીને પણ આ મામલે રજૂઆત કરી હતી.
ગત મહિને સંચાલક મંડળ શિક્ષણ મંત્રીને મળવા ગયું હતું. ત્યારે શિક્ષણ મંત્રી દ્વારા નિયમોમાં ટૂંક જ સમયમાં ફેરફાર કરી નવા નિયમો જાહેર કરવામાં આવશે તેવી બાંયધરી આપવામાં આવી હતી, પરંતુ નોંધણીની મુદત 16 ફેબ્રુઆરીએ પૂર્ણ થવાની છે અને હજુ સુધી નવા નિયમો જાહેર કરવામાં આવ્યા નથી. જેને લઇને સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. સંચાલકોએ 16 ફેબ્રુઆરી સુધી જો નવા નિયમ જાહેર ના થાય તો નોંધણી વિના જ પ્રી-સ્કૂલ ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે.
શાળા સંચાલક મંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રી-સ્કૂલ માટે 15 વર્ષ ભાડા કરારને કારણે 6 ટકાને બદલે 12 ટકા સ્ટેમ્પ ભરવો પડે છે. પ્રી-સ્કૂલ રજિસ્ટ્રેશન માટે વર્ગ દીઠ રજિસ્ટ્રેશન ફીનો નિયમ ખોટો છે. આગામી દિવસોમાં પ્રી-સ્કૂલ માટે કોઈ નિર્ણય નહીં આવે તો અમે નોંધણી વિના જ પ્રી-સ્કૂલ ચલાવીશું.