સ્કૂલ પ્રવાસની બસને લીંબડી પાસે સર્જાયો અકસ્માત, 9 વિદ્યાર્થીઓ સહિત 11ને ઈજા
- સ્કૂલ પ્રવાસીની બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત
- લીંબડીથી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારકા પ્રવાસે જઈ રહ્યા હતા
- ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
સુરેન્દ્રનગરઃ અમદાવાદ - રાજકોટ હાઈવે પર અકસ્માતોનુ પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ લીંબડી નજીક હાઈવે પર બન્યો હતો. લીંબડીથી દ્વારકા જઈ રહેલી પ્રાથમિક શાળાના પ્રવાસની ટ્રાવેલ્સ બસ ડમ્પર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં નવ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો ઈજાગ્રસ્ત થયા છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે સ્કૂલના પ્રવાસી બાળકોની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, સ્કુલ પ્રવાસ દ્વારકા જઈ રહી હતી ત્યારે લીંબડી નજીક અકસ્માત સર્જાયો હતો, સ્કૂલ પ્રવાસની બસમાં કુલ 57 બાળકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત 9 બાળકો સહિત બે શિક્ષકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લીંબડી હાઈવે પર ચોરણીયા નજીક ડિવાઈડરને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા. લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લીંબડી તાલુકાના ચોરણીયા પ્રાથમિક શાળામાં તમામ બાળકોને લઇ જવામાં આવ્યા છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. લીંબડી-અમદાવાદ હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત બાદ ખાનગી ટ્રાવેલ્સ તેમજ ડમ્પર ચાલક બન્ને નાશી છુટયા હતા. જયારે આ ઘટનાના પગલે મામલતદાર અને લીંબડી પ્રાંત કલેકટર પણ ચોરણીયા પ્રાથમિક શાળામાં દોડી ગયા હતા. આ અકસ્માતની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ખુદ ચોરણીયા પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા.