સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ખાલી જગ્યાઓ પર શાળા સહાયકોની ભરતી કરાશે
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને નિર્ણય લાગુ પડશે
- 250થી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાઓમાં શાળા સહાયક મુકાશે
- શિક્ષણ વિભાગ એજન્સી મારફત કોન્ટ્રાકટ પદ્ધતિથી ભરતી કરશે
ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કારકૂનોની જગ્યાઓ ખાલી હોવાથી શાળા સંચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. અને કારકૂનોની ત્વરિત ભરતી કરવાની ઘણા સમયથી માગ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષણ વિભાગે કલાર્કની જગ્યાએ શાળા સહાયકો નિમવાનું નક્કી કર્યું છે. શાળા સહાયકો 250 કે તેનાથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં નિમાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષો પછી કલાર્કની ભરતી કરાશે તેવી ગતિવિધિ હાથ ધરાઇ હતી. શાળાઓમાં કલાર્કની ભરતી આવશે તેવી રાહ જોઇને બેઠેલા બેરોજગાર ઉમેદવારો માટે નિરાશા સાપડે તેવી માહિતી બહાર આવી છે. હવે શાળાઓમાં કાયમી કલાર્કની ભરતી કરવાને બદલે કલાર્કની જગ્યાએ શાળા સહાયકો નિમવાનું સરકારે નક્કી કર્યું છે. આ શાળા સહાયકો 250 કે તેનાથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓમાં નિમાશે. આ ભરતીમાં ફુલટાઇમ કે સરકારી રાહે ભરતી કરવાને બદલે રાજ્યનું શિક્ષણ વિભાગ એજન્સી મારફત કોન્ટ્રાકટ પદ્ધતિથી કલાર્કને શાળા સહાયકનું નામ આપીને ભરતી કરશે. આ ભરતીમાં 250 વિદ્યાર્થી દીઠ 1 શાળા સહાયક અપાશે. જે શાળાઓમાં 250 કે તેનાથી ઓછી સંખ્યા છે તેવી શાળાઓમાં શાળા સહાયક અપાશે નહીં.
સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, રાજ્યના શિક્ષણ વિભાગે શાળા સહાયકની ભરતી કરવા માટે મંજૂરી આપી દીધી છે, પણ અત્યારે ચૂંટણીની આચાર સંહિતા હોવાથી ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ નથી. આગામી દિવસોમાં ભરતી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતિ એવી છે કે, 300થી વધારે શાળાઓમાં એકપણ કલાર્ક નથી. કેટલીક શાળાઓ એવી પણ છે કે જયાં વર્ગ-4ના પટાવાળા પણ નથી. અમુક શાળાઓમાં પટાવાળા કલાર્કની કામગીરી કરે છે. આવા સંજોગોમાં કલાર્કને બદલે શાળા સહાયકની ભરતીથી કોન્ટ્રાકટ પ્રથાને પ્રોત્સાહન અપાઈ રહ્યાનો અસંતોષ વ્યાપ્યો છે.