મહેસાણામાં વાયુસેના દ્વારા પ્રથમવાર યોજાયો એર શો, સૂર્યકિરણ એરોબેટિક કરતબો બતાવ્યા
- એર શૉ દરમિયાન વાયુસેના દ્વારા દિલધડક કરતબોથી દર્શકો દંગ રહી ગયા,
- વાયુસેનાએ આકાશમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો,
- એર શૉમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન સહિત આકર્ષક દિલધડક કરતબ દર્શાવાયા
મહેસાણાઃ ભારતીય વાયુસેના દ્વારા એર શો યોજવામાં આવ્યો હતો. વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દર વર્ષે એર શૉનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વખતે દિવાળી પછી એટલે કે 24 ઓક્ટોબરે મહેસાણામાં પહેલીવાર આયોજન કરવામાં આવ્યું હતું. એર શૉ દરમિયાન વાયુસેના દ્વારા દિલધડક કરતબોથી દર્શકો રોમાંચક બન્યા હતા. અને વાયુસેનાના જવાનોના સાહસને બિરદાવતા હતા.
મહેસાણામાં પ્રથમવાર ભારતીય વાયુસેના દ્વારા એર શો યોજાયો હતો. વાયુસેનાની એરોબેટિક ડિસ્પ્લે ટીમ 'સૂર્યકિરણ'એ મહેસાણાના આકાશમાં પોતાના શાનદાર પ્રદર્શનથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વાયુસેનાની ટીમે આકાશમાં ભારતીય રાષ્ટ્રધ્વજ, ત્રિરંગો લહેરાવીને લોકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના પ્રજ્વલિત કરી હતી. આ એર શો દરમિયાન, સૂર્યકિરણ ટીમના કુલ 9 હોક માર્ક 132 ફાઇટર જેટ્સે એકસાથે ઉડાન ભરીને આકાશમાં ભવ્ય ત્રિરંગો રચ્યો હતો. પાયલોટ્સની અદભૂત કુશળતાનો પરિચય આપતા, આ વિમાનોએ 5 મીટરથી પણ ઓછી અતિ-નીચી ઊંચાઈ પર ઉડાન ભરીને દર્શકોને રોમાંચિત કર્યા હતા.આવા જોખમી અને સચોટ હવાઈ કરતબો દર્શાવવા માટે પાયલોટ્સને સખત તાલીમમાંથી પસાર થવું પડે છે. ટીમના પાયલોટ્સ 6 થી 8 મહિનાની સઘન તાલીમ બાદ જ આ પ્રકારના એર શો માટે સક્ષમ બને છે.
ભારતમાં બનાવેલા નવ હોક Mk132 વિમાનો ઉડાડતા, પાયલટ્સ વિમાનો વચ્ચે 5 મીટરથી ઓછા અંતરે રમી શકે તેવા સ્ટંટ કરે છે. એર શૉમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા આકર્ષક દિલધડક કરતબ દર્શાવવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં SKATએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન વડોદરા, જામનગર, નલિયા અને ભુજમાં એર શૉ દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.