સુરેન્દ્રનગરમાં પકડાયું હથિયારોના લાયસન્સ આપવાનું કૌભાંડ
- ખોટા ભાડાં કરારથી હથિયારોના લાયસન્સ મેળવીને પરપ્રાંતમાંથી ખરીદાયા
- 25 શખસોની ઘરપકડ,17 હથિયારો જપ્ત કરાયા
- સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ અન્ય રાજ્યોમાંથી લાયસન્સ, હથિયારો ખરીદાયાની શંકા
સુરેન્દ્રનગરઃ એસઓજીએ જિલ્લામાંથી નાગાલેન્ડ સહિત ત્રણ રાજ્યોના હથિયારના લાયસન્સ મેળવવાનું કૌભાંડ પકડી પાડ્યુ છે. આ રેકેટમાં પોલીસે વધુ 25 શખ્સોને રાઉન્ડઅપ કરીને 17 હથિયાર કબજે કર્યા છે. જેમાં પાંચ પિસ્તોલ, 12 રિવોલ્વર, 8 બારબોર સહિત 25 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના ગુપ્તચર વિભાગને મળેલી માહિતીના આધારે સુરેન્દ્રનગરથી નાગાલેન્ડ સહિતનાં ત્રણ રાજ્યમાં ચાલતું હથિયારના લાઇસન્સ આપવાનું કૌભાંડ પકડી પાડ્યુ છે. આ કૌભાંડમાં પોલીસે 25 શખસોની ધરપકડ કરીને તેમની પાસેથી 17 હથિયાર જપ્ત કરવામાં આવ્યાં છે, આરોપીઓ મણીપુર અને નાગાલેન્ડ સહિત રાજયોમાંથી હથિયારના લાયન્સ મેળવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. મણીપુર અને નાગાલેન્ડમાં ગુજરાતના એજન્ટો મારફતે સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ મણીપુર અને નાણાલેન્ના એજન્ટ મુકેશ ( મૂળ રહે. વાકાનેર) છેલ્લા વેલાભાઇ ભરવાડ ( મૂળ રહે.દરોડ, તા. ચુડા, હાલ રહે. સુરત), વિજય ભરવાડ ( રહે. સુરત) અને સોકતઅલી (રહે. હરિયાણા) પાસેથી હથિયારના લાયસન્સ મેળવ્યા હોવાની અને તેના આધારે ગુજરાતમાંથી હથિયારોની ખરીદી કરી હોવાની કબૂલાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ નહીં પરંતુ રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રનાં કેટલાંક શહેરોમાં 1000 શખસોએ દેશના ત્રણ રાજ્યમાંથી સંપૂર્ણપણે ગેરકાયદે હથિયાર ખોટા લાઇસન્સના આધારે ખરીદ્યા હતા. માત્ર ભાડાકરારના આધારે જ હથિયારનું લાઇસન્સ આપી દેવામાં આવતું હતું. આના માટે સૌરાષ્ટ્ર, ગુજરાત અને હરિયાણાના એજન્ટ કામ કરતા હતા. બે વર્ષથી ચાલતા ઓર્ગેનાઇઝ ક્રાઇમ અંગે ગુપ્તચર વિભાગને માહિતી મળ્યા બાદ અધિકારીઓને તેનાથી વાકેફ કરાયા બાદ સુરેન્દ્રનગર પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. હજુ 17 હથિયાર પોલીસે જપ્ત કર્યા છે, પરંતુ જ્યારે આ તપાસ પૂર્ણ થયાનું જાહેર કરાશે ત્યારે આંકડો 1000થી પણ વધુનો થવાની પૂરેપૂરી સંભાવના છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગર પંથકના જે શખ્સોએ લાઇસન્સ મેળવ્યાં છે તે એક ચોક્કસ સમાજના છે, અને બધા એકબીજા સાથે સામાજિક રીતે જોડાયેલા છે, મોટાભાગે ખાણ ખનીજના ધંધા સાથે સંકળાયેલા તેમજ મારામારી, ખૂનની કોશિશ, ખૂન સહિતના જેના પર ચારથી વધુ ગુના છે, તેમણે લાઇસન્સ મેળવી લીધાં હતાં. આ આખું એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય તપાસના અંતે ગુજસીટોકનો ગુનો નોંધાય તેવી પણ સંભાવના છે.
સૂત્રોના કહેવા મુજબ નાગાલેન્ડ સહિતનાં રાજ્યોમાંથી ગેરકાયદે લાઇસન્સ આવી ગયા બાદ હથિયારની ખરીદી મોટાભાગે સુરતમાં આવેલા એક ગન હાઉસમાંથી જ કરવામાં આવતી હતી. સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના તત્ત્વો બહારના રાજ્યમાંથી ઓલ ઇન્ડિયા પરમિટવાળું ગેરકાયદે લાઇસન્સ મેળવી સ્થાનિક કક્ષાએથી હથિયાર એટલા માટે ખરીદતા નહોતા કારણ કે, આ અંગેની જાણ સ્થાનિક પોલીસને થઇ જાય એટલે સાવચેતી રાખવામાં આવતી હતી સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત હરિયાણામાં કેટલાક એજન્ટો હથિયાર લાઇસન્સ અપાવી દેવાનું કામ કરતા હતા, એક લાઇસન્સ દીઠ 8થી 10 લાખ રૂપિયાનો વહીવટ કરવામાં આવતો હતો.