સુરતમાં રન ફોર યુનિટીમાં લોકોએ નાસ્તાને પેકેટ અને પાણીની બોટલો રસ્તાઓ પર ફેંકી
- રન ફોર યુનિટીમાં અનેક લોકોએ ઉત્સાહથી ભાગ લીધો,
- રન ફોર યુનિટીમાં દોડતા લોકોએ પાણીની ખાલી બોટલો રોડ પર ફેંકતા થઈ ગંદકી,
- ગંદકી જોઈને પોલીસ અધિકારીઓ અને તેમના પત્નીઓએ જાતે જ કચરો એકત્ર કરીને ડસ્ટબીનમાં નાંખ્યો
સુરતઃ દેશભરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સુરત પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ દ્વારા આયોજિત આ દોડમાં શહેરીજનોએ પણ ઉત્સાહભેર ભાગ લઈને એકતાના સંદેશને બળ પૂરું પાડ્યું હતું. જોકે, આ ભવ્ય આયોજન બાદ જે દૃશ્યો સર્જાયા તેણે સુરતની સ્વચ્છતાની ઓળખ સામે એક મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો. રન ફોર યુનિટીમાં જોડાયેલા શહેરીજનોએ દોડના રૂટ પર નાસ્તાના પેકેટ અને પાણીની બોટલો ફેંકી હતી. તેના લીધે રોડ પર ગંદકીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ દૃશ્યો જોઈને સુરત પોલીસ કમિશનર સહિતના પોલીસકર્મીઓ અને તેઓની પત્નીઓએ જાતે કચરો ઉઠાવી સફાઈ કરી હતી.

સુરત શહેરમાં આજે સવારે સરદાર પટેલની 150મી જન્મજ્યંતિ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. રન ફોર યુનિટીમાં જોડાયેલા શહેરીજનોએ પોણીની ખાલી બોટલો અને નાસ્તાના ખાલી પેકેટો રોડ પર ફેંક્યા હતા. જેના લીધે રોડ પર ગંદકી જોવા મળી હતી. રોડ પરથી કચરાના ઢગલાંને જોઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓથી રહેવાયું નહીં. આ દૃશ્ય જોઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર બબાંગ જમીર સહિત શહેરના તમામ ડીસીપી, એસીપી અને અન્ય પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક સ્વચ્છતાની જવાબદારી પોતાના હાથમાં લીધી હતી. કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર, આ ઉચ્ચ અધિકારીઓએ જાતે જ રસ્તા પર પડેલા નાસ્તાના કાગળો, પ્લાસ્ટિકના રેપર્સ અને પાણીની બોટલો વીણવાનું શરૂ કર્યું હતું. અધિકારીઓને કચરો ઉઠાવતા જોઈને તેમના પત્નીઓ પણ પોતાને રોકી ન શકી અને તેઓ પણ કચરો સાફ કરવાના કાર્યમાં જોડાયા હતા. એકસાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો દ્વારા સ્વચ્છતાનું અભિયાન શરૂ થયું, જે એક અદ્ભુત અને પ્રેરણાદાયી દ્રશ્ય હતું.
પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ આ કાર્ય દ્વારા શહેરીજનોને એક ખૂબ જ સ્પષ્ટ અને સચોટ સંદેશ આપ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ જણાવ્યું કે, સુરત આપણું શહેર છે અને તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી સૌની છે. આ માટે સ્વચ્છતા કર્મચારીઓ આવે તેની રાહ જોવાની કોઈ જરૂર નથી.
 
  
  
  
  
  
 