સંસ્કૃત ભાષા એ મા ભારતીનો ધબકારો છે: કિશોર મકવાણા
ગાંધીનગરઃ નિષ્કલંકીનારાયણ તીર્થધામ - પ્રેરણાપીઠ, પીરાણા અમદાવાદ ખાતે ૨૯ ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું દ્વિદિવસીય ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનના સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કિશોરભાઈ મકવાણા, અધ્યક્ષ- રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે સંસ્કૃત ભાષામાં એવા પ્રકારનું સામર્થ્ય વિદ્યમાન છે જે સમગ્ર રાષ્ટ્રને એક સૂત્રમાં પોરવી શકે છે. સંસ્કૃત ભાષા એ મા ભારતીનો ધબકારો છે. તેમના વક્તવ્યમાં તેઓએ શિડ્યુલ કાસ્ટ ફેડ્રેસન અને ડૉ. બાબાસાહેબ આંબેડકરજીનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેઓ પણ સંસ્કૃત ભાષાના અને સંસ્કૃતને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવાના સમર્થક હતા. સંસ્કૃત ભાષા જન સામાન્યની ભાષા બને તેના માટે થઈને સંસ્કૃતભારતીના કાર્યકર્તાઓ અથાક પરિશ્રમ કરી રહ્યા છે.
તેમજ સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી જયપ્રકાશ ગૌતમજી મહોદયે પોતાના વક્તવ્યમાં જણાવ્યું છે સમાજ કલ્યાણ માટે પ્રેરિત થઈને સમર્પિત ભાવથી કાર્ય કરવું જોઈએ. શરીર, વચન, મન, ઇન્દ્રિય, બુદ્ધિ અને આત્મસમર્પણ ભાવથી કાર્ય કરીએ તોજ સફળ થઈ શકે છે.
કાર્યક્રમમાં સારસ્વત અતિથિ તરીકે પધારેલ નર્મદા નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે આપણા બધા ધર્મગ્રંથો સંસ્કૃત સાથે જોડાયેલા છે તેમાં રહેલા સંસ્કૃતના શ્લોકો પરિવારના લોકોને પણ કંઠસ્થ હોય છે તેથી આપણી ભારતીય સંસ્કૃતિ વૈભવશાળી છે. કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે ગુર્જર પ્રાંતના અધ્યક્ષ ડૉ. કૃષ્ણપ્રસાદ નિરોલાજીએ ગુર્જર પ્રાંતના વિવિધ જિલ્લામાંથી આવેલ ૩૨૯ કાર્યકર્તાઓને શપથવિધિ કરાવી કે સન્નીષ્ઠ ભાવથી સંસ્કૃત કાર્યમાં જોડાઈને રાષ્ટ્રની સેવા કરીશું.