ગુજરાત સરકારે સબસિડી બંધ કરતા ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 44 ટકાનો ઘટાડો
- કાર પર 2 લાખ સુધી-ટુવ્હીલર પર 20 હજાર સુધી સબસિડી અપાતી હતી
- વર્ષ 2023માં અમદાવાદમાં કુલ 2363 ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી થઈ હતી
- વર્ષ 2024માં અમદાવાદમાં 10706નું રજિસ્ટ્રેશન થયું
ગાંધીનગરઃ ગુજરાતમાં વાહનોથી થતાં પ્રદૂષણમાં ઘટાડો કરવાના ઉદેશ્યથી રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોમાં સબસિડી આપવામાં આવતી હતી. તેના લીધે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો હતો. પણ ત્યારબાદ કોઈ કારણથી રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોમાં અપાતી સબસિડી એકાએક બંધ કરી દેતા ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં ઓટ આવી છે. એટલે કે વર્ષ 2023ની તલુનાએ વર્ષ 2024માં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.
રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહન પર અપાતી સબસિડી બંધ કરવામાં આવતા વેચાણમાં 44 ટકા જેટલો ઘટાડો થયો છે. 2023માં અમદાવાદમાં સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓમાં મળીને કુલ 2363 ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી થઈ હતી. જેની સામે 2024માં તે સંખ્યા ઘટીને 1664એ પહોંચી ગઈ છે. 2023માં કાર અને ટુવ્હીલર વળીને 18467નું રજિસ્ટ્રેશન થયું હતું જેની સામે 2024માં 10706નું રજિસ્ટ્રેશન થયું છે. અગાઉ ઈલેક્ટ્રિક કાર પર બે લાખ સુધી અને ટુવ્હીલર પર 20 હજાર સુધી સબસિડી આપતી હતી. બે વર્ષથી સબસિડી બંધ થતાં વેચાણ પર મોટી અસર પડી છે. ઈલેક્ટ્રિક વાહનોના ડીલરોને આશા હતી કે રાજ્ય સરકાર વર્ષ 2025-26ના બજેટમાં ઈલેક્ટ્રિક વાહનો પર સબસિડી આપવાની જાહેરાત કરશે પણ સબસિડીની જાહેરાત ન કરાયા ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થવાની કોઈ શક્યતા નથી. કારણે પેટ્રોલ અને ડિઝલની તુલનાએ ઈલેક્ટ્રિક વાહનોની કિંમત વધુ હોવાથી લોકોને પરવડતા નથી. તેથી હવે લોકો સીએનજી વાહનોની ખરીદી વધુ કરી રહ્યા છે.
ઓટો ડિલરોના કહેવા મુજબ ગુજરાત સરકારે સબસિડી બંધ કરતા ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બદલાતી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખીએ તો આવનારા દિવસોમાં વાહનોના મેન્યુફેક્ચરિંગ કિંમતમાં મોટો વધારો થવાની શક્યતા છે. જેને કારણે આવનારા દિવસોમાં વેચાણમાં હજુ વધારે ઘટાડો થઈ શકે છે.