ભારતના અર્થતંત્ર માટે રશિયન ઓઈલની જરૂરિયાતઃ રશિયા
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે દાવો કર્યો કે, ભારત હવે રશિયાથી તેલ ખરીદશે નહીં, પરંતુ આ દાવા પર મોસ્કો તરફથી કડક પ્રતિસાદ આવ્યો છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે સ્પષ્ટ કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થાને રશિયન ઓઈલની જરૂર છે. તેમણે ભારતને રશિયાનો વિશ્વાસપાત્ર ભાગીદાર ગણાવ્યો હતો. ટ્રમ્પે ભારત પર રશિયાથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ 50 ટકા ટૅરિફ લગાવ્યો હતો, અને તેમણે જાહેરમાં કહ્યું હતું કે તેઓ ઇચ્છતા નથી કે ભારત રશિયાથી કાચું તેલ ખરીદે.
રશિયન રાજદૂત અલીપોવએ જણાવ્યું હતું કે, “ભારતના કુલ કાચા તેલના આયાતમાં આશરે એક તૃતીયાંશ હિસ્સો રશિયાથી આવે છે. અમે ભારત માટે સસ્તું અને સ્થિર વિકલ્પ છીએ. રશિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વિશ્વમાં સ્થિરતા લાવતી શક્તિ તરીકે જોવામાં આવે છે. આ સંબંધ વિશ્વાસ પર ટકેલો છે. ઊર્જા ક્ષેત્રમાં અમે ભારતના સૌથી વિશ્વસનીય ભાગીદાર છીએ.” અલીપોવે ઉમેર્યું કે રશિયા ભારતને માત્ર ઊર્જા સપ્લાયર તરીકે નહીં, પણ દીર્ઘકાલીન વ્યૂહાત્મક સહયોગી તરીકે પણ જોવે છે.
રશિયાના રાજદૂતે ટ્રમ્પને સીધો સંદેશ આપતાં કહ્યું હતું કે, “ગ્લોબલ નોર્થ હજી પણ ટૅરિફ અને વિવિધ પ્રતિબંધો લગાવતું રહ્યું છે. આ બતાવે છે કે તે દેશો મલ્ટીપોલર (બહુપક્ષીય) વિશ્વને સ્વીકારવા તૈયાર નથી. આ વલણ વૈશ્વિક શાસન વ્યવસ્થામાં સુધારને મોડું કરશે, જ્યારે આ સુધારા અત્યંત આવશ્યક છે.”