ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ટીબી ચેક કરવાના RTPCR મશીનનું લોકાર્પણ કરાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાનને આગળ વધારવા મહેસાણા લોકસભાના તત્કાલીન સાંસદ શારદાબેન પટેલ દ્વારા ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ટીબીના પેશન્ટનું તાત્કાલિક ટીબી ડિટેક્ટ થાય તે માટેનું ટ્રુ નાટ મશીન ખરીદવા માટે રૂપિયા 11 લાખની માતબર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ હતી. તે ગ્રાન્ટમાંથી જિલ્લા ટીબી ઓફિસ મહેસાણા દ્વારા મશીનની ખરીદી કરવામાં આવેલ હતી અને તે મશીનનું આજે ઊંઝા સિવિલમાં પૂર્વ સાંસદ શારદાબેન અને ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા લોકાર્પણ આવ્યું.
આ મશીનથી ઊંઝા અને આજુબાજુના વિસ્તારના તથા પાડોશી રાજ્ય રાજસ્થાનથી આવતા ટીબીના પેશન્ટોને જેમ કોરોનાના RTPCR ટેસ્ટ થતા હતા તેવી જ રીતે ટીબીના પણ આરટીપીસીઆર ટેસ્ટ થશે. એક જ કલાકમાં ટીબી છે કે નહીં તેમજ તેમને કયા પ્રકારનું ટીબી છે તેનું નિદાન થશે. આ ઝડપથી નિદાન થવાથી ટીબીનો પ્રકાર કયો છે અને તેને કઈ દવા થી ઈલાજ કરવો તેનું માર્ગદર્શન ઝડપથી મળશે જેથી ટીબી નાબુદ કરવામાં આ મશીન ખુબ જ ઉપયોગી થશે. આ મશીનની એક ખાસ વિશેષતા એ પણ છે કે સાદા માઈક્રોસ્કોપમાં 10,000 બેક્ટેરિયા/1ML ના લોડ ઉપર નિદાન થાય છે જ્યારે આ મશીનમાં ફક્ત 500 બેક્ટેરિયા/1ml નો લોડ હોય તો પણ ટીબી ડિટેકટ થાય છે. આ મશીનથી ટીબી સિવાય 9 પ્રકારના અન્ય રોગો જેવા કે કોરોના, મલેરિયા, ડેન્ગ્યું, H1N1, ચિકનગુનીયા તથા હિપેટાઈટીસ B અને Cનું પણ નિદાન થશે.
મહેસાણા જિલ્લામાં ફક્ત વડનગર GMRES અને કડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ પ્રકારનું મશીન છે અને હવે ઊંઝા સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં પણ આ મશીન ઉપલબ્ધ છે. આ પહેલા કોરોના કાળમાં પણ પૂર્વ સાંસદ શારદાબેન અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય સ્વ. આશાબેન પટેલની 50-50 ટકા ગ્રાન્ટમાંથી ઊંઝા હોસ્પિટલને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ હતી.