જુનાગઢમાં એજન્ટનું કામ ન થતા RTO અધિકારી અને ગાર્ડ પર છરી કાઢી હુમલો કરાયો
- વાહન ટ્રાન્સફરનું કામ ન થતાં એજન્ટ ભાવિન કરથીયા ઉશ્કેરાયો,
- ઇન્ચાર્જ RTO સાથે બોલાચાલી બાદ હુમલો કરાયો,
- કોમ્પ્યુટરનું કીબોર્ડ ખેંચીને નીચે ફેંકી પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરાયું,
જૂનાગઢઃ ગુજરાતમાં તમામ આરટીઓ કચેરીઓમાં એજન્ટ પ્રથા નાબુત કરવામાં આવી છે. અરજદારોને ઓનલાઈન સેવા મળી રહે અથવા કેટલાક કામો માટે અરજદારોને રૂબરૂ આરટીઓ કચેરીએ આવવું પડે છે. જો કે આમ છતાં કેટલાક એજન્ટો આરટીઓ અધિકારી સાથે સાંઠગાંઠથી કામ કરાવી લેતા હોય છે. જુનાગઢમાં આરટીઓ કચેરીમાં ઈન્ચાર્જ આરટીઓએ એજન્ટને કામ કરવાની ના પાડીને અરજદારને રૂબરૂ બોલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા એજન્ટે અધિકારી પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે આરટીઓ એજન્ટની ધરપકડ કરી છે.
ફરિયાદી હિતેષકુમાર વિનોદકુમાર પંડિત જે જૂનાગઢ આરટીઓ કચેરીમાં 2018થી સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે, તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં હિતેષકુમાર પંડિત આરટીઓ કચેરીના રૂમ નંબર 2માં વાહનના પોસ્ટ ટ્રાન્ઝેક્શનની કામગીરી કરી રહ્યા હતા.ત્યારે આશરે 12:30 વાગ્યાની આસપાસ આરોપી ભાવિન રમણીકભાઈ કરથીયા આરટીઓ કચેરીમાં આવ્યો અને વાહન ટ્રાન્સફરના 3 અલગ-અલગ ફોર્મ હિતેષકુમાર પંડિતને આપ્યા હતા. આરોપી ભાવિને આ વાહનો નામફેર કરવાના છે તેમ કહેતાં ફરિયાદી હિતેષકુમાર પંડિતે ફોર્મ ચકાસ્યા હતા. જેમાં એક પણ ફોર્મમાં ભાવિનનું નામ અરજદાર તરીકે નહોતું. નિયમ મુજબ, વાહન ટ્રાન્સફરની અરજી વખતે અરજદારની હાજરી ફરજિયાત હોય છે.ફરિયાદીએ ભાવિનભાઈને નિયમ સમજાવીને અરજદારને બોલાવી લાવવાનું કહેતા જ ભાવિન કરથીયા એકદમ ઉશ્કેરાઈ ગયા અને ઊંચા અવાજે બોલવા લાગ્યો હતો. બોલાચાલી શરૂ થતાં ફરિયાદી હિતેષકુમાર ભાવિનને લઈને બાજુની ઓફિસમાં ઇન્ચાર્જ આરટીઓ આશિષકુમાર પંચાલ પાસે લઈ ગયા હતા. જ્યાં આશિષકુમાર પંચાલે પણ ભાવિનને શાંતિથી નિયમ સમજાવ્યો કે અરજદારને નિયમ અનુસાર હાજર રાખો એટલે તમારું કામ થઈ જશે. શાંતિથી વાત કરવા છતાં ભાવિન કરથીયા ફરીવાર ઉશ્કેરાઈ ગયો અને ઇન્ચાર્જ આરટીઓ આશિષકુમાર પંચાલ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરવા લાગ્યો હતો. ઝપાઝપી દરમિયાન આરોપી ભાવિને પંચાલની ઓફિસમાં ટેબલ ઉપર રહેલું કોમ્પ્યુટરનું કીબોર્ડ ખેંચીને નીચે ફેંકીને તોડી નાખ્યું હતુ, આમ પબ્લિક પ્રોપર્ટીને ડેમેજ કરી.મામલો ગરમાતા ઇન્ચાર્જ આરટીઓ પંચાલે સિક્યુરિટી ગાર્ડ અરવિંદભાઈને બોલાવ્યા હતા. અરવિંદભાઈએ ભાવિનભાઈને બહાર લઈ જવાનો પ્રયત્ન કરતાં ભાવિન વધુ ગુસ્સે ભરાયા અને ગાળો બોલવા લાગ્યો હતો. ભાવિને પોતાની પાસે રહેલી છરી કાઢી અને ધમકી આપી કે, "આજે તો તમને જાનથી પતાવી દેવા છે,તેમ કહી મારવા દોડ્યો હતો. સિક્યુરિટી ગાર્ડ અરવિંદભાઈએ ભાવિનને પકડી લેતા ઝપાઝપી થઈ. આ ઝપાઝપીમાં અરવિંદભાઈના ડાબા હાથમાં ઈજા થઈ અને લોહી નીકળ્યું હતુ જ્યારે ફરિયાદી હિતેષકુમાર પંડિતને પણ જમણા અને ડાબા હાથમાં મૂઢ ઈજા થઈ હતી. આરોપીએ ત્રણેય સરકારી કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી.ઝપાઝપી દરમિયાન ફરિયાદી હિતેષકુમાર પંડિતે તુરંત 112 નંબર પર પોલીસને ફોન કર્યો હતો. પોલીસ તાત્કાલિક RTO કચેરીએ પહોંચી અને આરોપી ભાવિન રમણીકભાઈ કરથીયાને પકડી લીધો હતો.