કચ્છના અંજારમાં રૂપિયા 7 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
- શેઠની રકમ લઈને જતા કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યું હતું
- પોલીસની પૂછતાછમાં ફરિયાદી ગોળ ગોળ જવાબ આપતો હતો
- પોલીસે લાલ આંખ કરતા આરોપીએ ગુનો કબુલી લીધો
અંજારઃ કચ્છના અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક રૂપિયા 7 લાખની લૂંટનો બનાવ બન્યો હતો. અંજારની બેન્કમાંથી રૂપિયા ઉપાડીને શેઠની રકમ લઈને એક્ટિવા પર જતાં તેના કર્મચારી પાસેથી બે અજાણ્યા શખસોએ 7 લાખની લૂંટ કરીને પલાયન થયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અને ફરિયાદી કર્મચારીની પૂછતાછમાં ગોળ ગોળ જવાબ આપતા પોલીસને ફરિયાદી પર શંકા ગઈ હતી. અને આખરે ફરિયાદીએ જ ગુનો કબુલી લીધો હતો. કર્મચારીએ લૂંટનુ તરકટ રચીને ખોટી ફરિયાદ કરી હતી. આમ લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે.
અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક રેલવે પૂલિયા પાસે એક મોટી લૂંટનો બનાવ સામે આવ્યો છે. બે અજાણ્યા શખ્સોએ એક્ટિવા ચાલક પાસેથી રૂપિયા 7 લાખ રૂપિયાની રોકડ લૂંટીને ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા પોતાના શેઠની રોકડ લઈને જઈ રહેલા કર્મચારીએ જ લૂંટનું તરકટ રચ્યું હોવાનો ખુલાસો થયો હતો. જેથી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.
આ બનાવની વિગતો મુજબ, બેન્સાના માલિક વીરેન્દ્રકુમાર ઉર્ફે લાલો શામજી કેસરાણીએ પોતાના કર્મચારી પ્રવીણભાઈ મેર (ઉ,વ.27)ને ચેક આપીને અંજારની બેંકમાંથી રોકડ ઉપાડવા મોકલ્યો હતો. પ્રવીણભાઈએ બેંકમાંથી 10 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. પ્રવીણભાઈ એક્ટિવા પર બેન્સા તરફ પરત ફરી રહ્યા હતા.દરમિયાન મેઘપર બોરીચી પાસેના રેલવે પૂલિયા નજીક બે અજાણ્યા શખ્સો મોટરસાઈકલ પર આવ્યાં હતા. તેમણે પ્રવીણભાઈને લાત મારીને જમીન પર પાડી દીધા હતા. એક્ટિવાની ડિકીમાંથી 7 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. પ્રવીણભાઈના ખિસ્સામાં રહેલા 3 લાખ રૂપિયા બચી ગયા હતા.
આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન પ્રવિણ મેરની વાતો ગોળ ગોળ તેમજ શંકાસ્પદ લાગતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો અને લૂંટનું તરકટ રચ્યું હોવાનું કબુલ્યું હતું. પોલીસે લૂંટનું નાટક કરનારની અટકાયત કરી પોલીસને ગેરમાર્ગે દોરવા સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.