લાખણી તાલુકાના જસરા ગામે પીઆઈના વૃદ્ધ માતા-પિતાની હત્યા બાદ લૂંટ
- વદ્ધ માતાએ પગમાં પહેરેલા કડલા પગ કાપીને લૂંટારૂઓ ઊઠાવી ગયા,
- તિજારી પણ તોડીને સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી
- પોલીસ અને એફએસએલની ટીમે શરૂ કરી તપાસ
પાલનપુરઃ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરના વાવ-થરાદના લાખણી તાલુકાના જસરા ગામે રહેતા વૃદ્ઘ માતા-પિતાની ગત રાત્રે લૂંટારુઓ દ્વારા નિર્મમ હત્યા કરીને લૂંટ કરાતા જિલ્લાભરમાં ચકચાર મચી ગઈ છે. લૂંટારુઓ એટલા ક્રૂર હતાં કે બંનેના ચહેરા પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ચીરી નાખ્યાં હતાં. તેમજ વૃદ્ઘાએ પગમાં કડલા પહેર્યા હતાં તેથી તે લૂંટવા માટે પગમાંથી બહાર કાઢવાને બદલે તેના પગ જ નાખી નાખ્યા હતા અને કડલા લઇ ફરાર થઇ ગયા હતા. આ બનાવને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો દોડી ગયો છે. ડોગસ્વોર્ડ અને એફએસએલની મદદથી લૂંટારૂઓનું પગેરૂ શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, વાવ-થરાદ જિલ્લાના જસરા ગામમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી પટેલના માતા-પિતાની અજાણ્યા શખસોએ હત્યા કરી હતી.વૃદ્ધ દંપતી ઘરમાં સુતુ હતુ તે દરમિયાન આ ઘટનાને અંજામ આપી લૂંટારૂ શખસો લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને મૃતદેહને પોર્સ્ટ મોર્ટમ અર્થે મોકલીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાસકાંઠાના એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, આગથળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જસરા ગામે આવેલા સીમાડામાં ડબલ મર્ડરનો બનાવ બન્યો છે. આ બનાવમાં વરધાજી મોતીજી પટેલ અને તેમના પત્નીની હત્યા કરવામાં આવી છે. વર્ધાજીનો પુત્ર પોલીસ ઈન્સપેક્ટર છે. મર્ડરમાં પ્રાથમિક વિગત એવી મળી છે કે, લૂંટારુ શખસો મહિલાના પગ કાપી કડલા કાપી લૂંટી ગયા છે. તેમજ કાનની બુટ્ટીઓ પણ કાપીને લઈ ગયા છે તથા ઘરમાં તિજોરી પણ તોડેલી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ જસરા ગામે પીઆઈ એ.વી પટેલના પિતા વર્ધાજી અને માતા હોશીબેન પટેલની હત્યા થઈ છે. રાત્રે દંપતી ઘરમાં સુતુ હતુ અને આ દરમિયાન અચાનક હત્યારાઓ ઘરમાં ઘૂસ્યા હતો અને તિક્ષણ હથિયાર વડે તેની હત્યા કરી હતી. લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર ઘટનામાં અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઈને FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસે રોડ પર રહેલા સીસીટીવી પણ તપાસ માટે લીધા છે. પીઆઈના માતા-પિતાની હત્યાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.