For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં SG હાઈવે પર YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ કરાયો

06:25 PM Aug 28, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં sg હાઈવે પર ymcaથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ કરાયો
Advertisement
  • એસજી હાઈવે પર ફ્લાઈઓવર બ્રિજની કામગીરીને લીધે રોડ બંધ કરાયો,
  • YMCAથી રોડ બંધ કરાતા મુમતપુરા અને એસ. જી. હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો,
  • ઈસ્કોનથી સરખેજ તરફ જવાનો માટેનો રોડ ચાલુ રખાયો

અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવારૂપ બની રહી છે. ત્યારે શહેરના એસજી હાઈવે પર ફ્લાયઓવરની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે વાયએમસીએ (YMCA) ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો રોડ આગામી 6 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1.2 કિલોમીટર લાંબા રોડને બંધ કરી ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જેથી વાહનચાલકોએ વાયએમસીએથી કર્ણાવતી ક્લબ સુધી જવા માટે 2 કિલોમીટર ફરીને જવું પડશે.

Advertisement

શહેરના એસજી હાઈવે પર વાયએમસીએ(YMCA)થી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ છ મહિના માટે બંધ કરાતા મુમતપુરા રોડ અને એસ. જી. હાઇવે પર ભારે ટ્રાફિકજામ થયો હતો. જેના કારણે ઑફિસ જનારા અને નોકરિયાત વર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ રોડ બંધ થવાથી સૌરાષ્ટ્ર તરફ જતાં મુસાફરો પણ ટ્રાફિક જામમાં ફસાયા હતા. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને એસ. જી. હાઇવે પર મુસાફરી કરતાં લોકોને તેમના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચવા માટે ઘરેથી 15થી 20 મિનિટ વહેલા નીકળવું પડશે. આ ટ્રાફિકજામથી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને સમયનો પણ વ્યય થઈ રહ્યો છે.

એસજી હાઈવે પર વાયએમસીએ(YMCA)થી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ છ મહિના માટે બંધ કરાતા વૈકલ્પિક માર્ગ સુચવવામાં આવ્યો છે. જેમાં સરખેજથી કર્ણાવતી ક્લબ જનારા વાહનચાલકોને વાયએમસીએ ક્લબ તરફથી ડાબી બાજુ વળાંક લઈને પહેલા ભગવાન સર્કલ અને ત્યાંથી જમણી બાજુ વળીને ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) જવાનું રહેશે. ત્યાર બાદ ફરી જમણી બાજુ વળીને કર્ણાવતી ક્લબ જઈને એસજી હાઇવે તરફ જવાનું રહેશે. સમગ્ર રસ્તા પર ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવા માટે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ સરવે કામગીરી કરી છે અને આ પ્રમાણે ટ્રાફિકના જવાનો ઊભા રાખવામાં આવશે. ટ્રાફિક જામ ન થાય તેના માટે બ્રિજની કામગીરી કરતી કંપની પણ ટ્રાફિક મેનેજમેન્ટમાં જોડાશે. જો કે, ઈસ્કોનથી સરખેજ તરફ જવાનો માટેનો રોડ ચાલુ રાખવામાં આવ્યો છે. વાયએમસીએથી કર્ણાવતી ક્લબ તરફનો રોડ 1.2 કિમી છે.

Advertisement

 

Advertisement
Tags :
Advertisement