ઉત્તરાખંડમાં વાદળો ફાટતા પહાડ પરની માટી ધસી પડતા રોડ બંધ, 50 ગુજરાતીઓ અટવાયા
- રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી તરફના દેહરાદૂન જતાં તમામ રસ્તાઓ બંધ,
- રોડ બંધ થતા લોકો જીવ બચાવવા સામાન લઈને 10 કિ.મી. ચાલતા નીકળ્યા,
- તકનો લાભ લઈને હોટલ સંચાલકોએ ભાડા વધારી દીધાની રાવ
અમદાવાદઃ ઉત્તરાખંડના દેહરાદૂન અને આસપાસના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બાદ પહાડો પરથી માટી ધસી પડતા રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી તરફના દેહરાદૂન જતાં તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના લીધે અનેક પ્રવાસીઓ રસ્તાઓમાં ફસાયા છે. જેમાં 50 જેટલા ગુજરાતી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક તંત્ર દ્વારા રોડ પર પડેલી ભેખડો અને માટી હટાવવા માટે જેસીબી સહિત મશીનો કામે લગાડ્યા છે. રોડ પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.
ઉત્તરાખંડમાં વાદળો ફાટતા ભારે વરસાદને લીધે પહાડો પરથી માટી અને ભેખડો નીચે રોડ પર ધસી પડી છે. જેના લીધે રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી તરફના દેહરાદૂન જતાં તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ચારધામની યાત્રાએ ગયેલા અનેક પ્રવાસીઓ રસ્તાઓ પર અટવાયા છે. જેમાં 50 જેટલા ગુજરાતી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જોકે તમામ પ્રવાસીઓ સલામત છે.
દહેરાદૂન પાસે રસ્તામાં ફસાયેલા ગુજરાતના એક પ્રવાસીએ ફોન કરીને તેના મિત્રોને જણાવ્યું હતું કે, રોડ બંધ હોવાથી પ્રવાસીઓને કોઈ મદદ મળી રહી નથી અને લોકો જીવ બચાવવા માટે પોતાનો સામાન લઈને રસ્તા પર ચાલી રહ્યા છે. રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી તરફના દેહરાદૂન જતાં તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. માટી ધસી પડવાને કારણે વાહનોની અવરજવર સંપૂર્ણપણે થંભી ગઈ છે. જે પ્રવાસીઓએ ટેક્સી બુક કરાવી હતી તેમને પણ રસ્તામાં જ અટકાવી દેવાયા છે. પ્રવાસીઓએ 10 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડી રહ્યું છે. રસ્તા પર ઠેર ઠેર માટી અને કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે. કેટલાક સ્થળોએ સ્થાનિક લોકો JCBની મદદથી કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ સામાન્ય થવામાં હજુ સમય લાગશે તેવું લાગી રહ્યું છે. જોકે તમામ પ્રવાસીઓ સલામત છે.
સૂત્રોના કહેવા મુજબ વાદળો ફાટતા અને ભારે વરસાદને લીધે હીલ વિસ્તારમાં માટી ધસીને રોડ પર પડતા રોડ સંપૂર્ણ બંધ કરવો પડ્યો છે. સરકારી વાહનો કે બસો પણ રસ્તા પરથી પસાર થઈ શકતી નથી. આ કપરી પરિસ્થિતિનો લાભ લઈને હોટેલ માલિકોએ પણ પોતાના ભાડા વધારી દીધા છે, જેના કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે.