For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટના આજી અને ન્યારી ડેમને માર્ચ મહિનાના અંત સુધીમાં ભરી દેવાની RMCની માગ

05:32 PM Mar 04, 2025 IST | revoi editor
રાજકોટના આજી અને ન્યારી ડેમને માર્ચ મહિનાના અંત સુધીમાં ભરી દેવાની rmcની માગ
Advertisement
  • એપ્રિલ-મે મહિનામાં સૌની યોજનાની પાઈપ લાઈનનું મેઈન્ટેનન્સ હાથ ધરાશે
  • આજી અને ન્યારી ડેમમાં એપ્રિલ માસનાં અંત સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ
  • સરકારની મંજુરી મળતા રાજકોટના બન્ને ડેમ પખવાડિયામાં ભરી દેવાશે

રાજકોટઃ દર ઉનાળામાં રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા ઉદભવતી હોય છે. જોકે સૌની યોજના હેઠળ શહેરના આજી અને ન્યારી ડેમ નર્મદાના પાણી ભરી દેવામાં આવતા હોવાથી હવે પાણીની સમસ્યા સર્જાતી નથી. ઉનાળાનું આગમન થઈ ગયું છે. તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજી અને ન્યારી ડેમમાં એપ્રીલના અંત સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. બીજીબાજુ સૌની યોજનાની મેગા પાઈપ લાઈનની મરામતનું કામ આગામી એપ્રીલ-મે મહિનામાં હાથ ધરવાનું છે. તેથી માર્ચના અંત સુધીમાં આજી અને ન્યારી ડેમ નર્મદાના પાણીથી ભરી દેવા મ્યુનિના સત્તાધિશોએ સરકારને રજુઆત કરી છે.

Advertisement

રાજકોટ શહેરમાં આગામી ઉનાળામાં પાણીની સમસ્યા ન થાય તે માટે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા  આગોતરૂ આયોજન કરાયું છે. જેમાં એપ્રિલ અને મે મહિનામાં સૌની યોજના માટેની પાઈપલાઈનનું મેઈન્ટેનન્સ કરવાનું હોવાથી માર્ચ મહિનામાં જ ફરી એકવાર આજી અને ન્યારી ડેમ સૌની યોજનાથી છલકાવી દેવાની માંગ કરવામાં આવી છે. હાલ આજી અને ન્યારી ડેમમાં એપ્રિલ માસનાં અંત સુધી ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ છે. ચાલુ અઠવાડિયે નર્મદાનું પાણી છોડવાનું શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. માર્ચના અંત સુધીમાં બંને ડેમો ફરી છલકાતા રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની કોઈ મુશ્કેલી પડશે નહીં.

આરએમસીના વોટર વર્ક્સ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા એપ્રિલ અને મેમાં મેઈન્ટેનન્સ માટે નર્મદાની સૌરાષ્ટ્ર કેનાલ બંધ થવાની છે ત્યારે રાજકોટને ભરઉનાળે પાણીની તકલીફ ન પડે અને દૈનિક 20 મિનિટ પાણી વિતરણ થાય તે માટે આરએમસીએ રાજ્યના સિંચાઈ વિભાગને માર્ચ માસના અંત સુધીમાં આજી અને ન્યારી ડેમ છલોછલ ભરી દેવાની માગણી કરી છે. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા અગાઉ આરએમસીને પત્ર પાઠવીને સૌરાષ્ટ્રની નર્મદા કેનાલના રીપેરીંગના કારણે આગામી એપ્રિલ-મે એમ બે મહિના કેનાલ બંધ રહેવાની જાણકારી અપાઈ હતી અને આ માટે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવાયું હતું. આગોતરા આયોજનરૂપે આજી અને ન્યારીમાં સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠાલવીને બંને ડેમ છલોછલ ભરી પણ દીધા હતા. જોકે, આ પાણી એપ્રિલનાં અંત સુધી ચાલે તેમ હોવાથી મેમાં પાણીની મુશ્કેલી થવાની શક્યતા હતી. જેને લઈને હવે માર્ચ મહિનામાં ફરીથી બંને ડેમો છલકાવવા માંગ કરાઈ છે.

Advertisement

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં નિયમિત અને પૂરતા દબાણથી લોકોને દરરોજ 20 મિનિટ નિયમિત પાણી મળે તે માટે અગાઉ આજી ડેમમાં 15 જાન્યુ.થી 1800 એમસીએસટી અને ન્યારી ડેમમાં 15 ફેબ્રુઆરીથી 700 એમસીએફટી નર્મદા નીર ઠલવવાની માગણી કરાઈ હતી. જેને લઈ સિંચાઈ વિભાગે મ્યુનિને પત્ર લખીને આગામી એપ્રિલ મે મહિનામાં નર્મદાની સૌરાષ્ટ્ર કેનાલ રીપેરીંગના કારણોસર બંધ રહેનાર હોવા અંગેની જાણ કરી હતી. હવે જ્યારે ઉનાળામાં નર્મદાની સૌરાષ્ટ્ર કેનાલ બંધ થવાની છે ત્યારે મ્યુનિએ ફરી સિંચાઈ વિભાગને પત્ર લખીને માર્ચ માસના અંત સુધીમાં આજી અને ન્યારી ફરી છલકાવી દેવા રજુઆત કરી છે. હાલમાં આજી-1માં 864 અને ન્યારી-1માં 1154 એમસીએફટી જળજથ્થો ઉપલબ્ધ છે. જે એપ્રિલ માસ દરમિયાન સાવ ઘટી જશે ત્યારે જો સૌની યોજના હેઠળ પાણી ન મળે તો રાજકોટમાં દૈનિક 20 મિનિટ પાણી વિતરણમાં સમસ્યા ઉભી થાય તેમ છે.

Advertisement
Tags :
Advertisement