મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુંની 70 હજાર બોરીની આવક
- ઉનાવા યાર્ડમાં 25થી 30 લાખ બોરીની આવકનો અંદાજ
- પ્રથમ દિવસે જ 1,00,000 બોરીની આવક નોંધાઈ હતી
- ગત વર્ષ કરતા તમાકુંની આવકમાં વધારો થશે
મહેસાણા: જિલ્લાના ઉનાવામાં માર્કેટ યાર્ડમાં તમાકુંના પાકની આવક શરૂ થઈ છે. મહેસાણા સહિત વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો તેમના તમાકુનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. હાલ રોજ તમાકુની 70 હજાર બોરીની આવક થઈ રહી છે. ખેડુતોને સરેરાશ ભાવ 2000 રૂપિયાથી 3500 રૂપિયા સુધી મળી રહ્યો છે.
મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડમાં ખાસ કરીને તમાકુ, એરંડા અને કપાસની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. હાલ ઉનાળાની ઋતુમાં તમાકુની કાપણીનો સમય હોવાથી યાર્ડમાં તમાકુની આવક વધી રહી છે. પ્રથમ દિવસે જ તમાકુંની 1,00,000 બોરીની આવક નોંધાઈ હતી અને હાલ સરેરાશ 70,000 બોરીની આવક મળી રહી છે. આ અંગે ઉનાવા માર્કેટયાર્ડના ચેરમેનના કહેવા મુજબ દર વર્ષે માર્કેટ યાર્ડમાં મહેસાણા અને આજુબાજુના જિલ્લાઓમાંથી તમાકુની મોટા પ્રમાણમાં આવક થાય છે. આ વર્ષે પણ એપ્રિલની શરૂઆતમાં તમાકુની હરાજીનો પ્રારંભ કરાયો હતો. હાલ દૈનિક સરેરાશ 70,000 થી 80,000 બોરી તમાકુની આવક થઈ રહી છે. ગયા વર્ષે 18,00,000 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે આ વર્ષે 25 થી 30 લાખ બોરીની આવકનો અંદાજ છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરના ખેડૂતો પણ અહીં તમાકુ વેચવા આવે છે. આ વર્ષે સરેરાશ ભાવ 2000 રૂપિયા છે અને ઊંચો ભાવ 3500 રૂપિયા સુધી પહોંચી રહ્યો છે. ઉનાવા માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે જમવાની અને આરામ કરવાની ઉત્તમ સગવડ છે, જેના કારણે ખેડુતો અહીં આવવાનું વધુ પસંદ કરે છે.
ઉનાવા માર્કેટ યાર્ડના વેપારીઓના કહેવા મુજબ આ વર્ષે તમાકુનું ઉત્પાદન કરતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, જેના કારણે માર્કેટ યાર્ડમાં તમાકુંની આવક વધી રહી છે. હાલ દૈનિક 70,000 બોરીની આવક યાર્ડમાં નોંધાઈ રહી છે. હલકી ગુણવત્તાવાળી તમાકુ 1500 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે ઉત્તમ ગુણવત્તાવાળી તમાકુના ભાવ 2500 રૂપિયા સુધી પહોંચી રહ્યા છે. ગયા વર્ષે આવકમાં ઘટાડો થવાના કારણે ભાવ ઊંચા હતા, પરંતુ આ વર્ષે ઉત્પાદનની સરખામણીમાં ભાવ સારા મળી રહ્યા છે.