અમદાવાદ સહિત 17 શહેરોમાં વરસાદને લીધે તૂટેલા રસ્તાઓની મરામતની કામગીરી પૂર્ણ
- મહાનગરપાલિકાઓમાં 577 કિ.મી.ના રોડની મરામત કામગીરી પૂર્ણ,
- મહાનગરોના રોડ-રસ્તાઓ પર 16,832માંથી 16.665 ખાડા પૂરી દેવાયા,
- નાગરિકો દ્વારા મળેલી કુલ 16.661 ફરિયાદોમાંથી 15,282 ફરિયાદોનો હકારાત્મક નિકાલ
ગાંધીનગરઃ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા- પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ - મરામત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સીધી સૂચનાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યભરમાં પુર જોશમાં કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રીએ ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને સત્વરે રીપેરીંગ કરીને કાર્યરત કરવા આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે રાજ્યની નવી અને જૂની એમ કુલ 17 મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા રોડ-રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યની મહાનગરપાલિકાઓમાં કુલ 659 કિ.મીના બિસ્માર રોડમાંથી 577 કિ.મી.ના રોડની મરામત તેમજ 16.832માંથી 16.665 ખાડા પૂરી દેવાયા છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢ એમ ગુજરાતની જૂની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં યુદ્ધના ધોરણે 99 ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરાઈ છે. જૂની આઠ મહાનગરપાલિકામાં 312 કિ.મી.ના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી 310.68 કિ.મી.થી વધુના રોડ-રસ્તાઓની મરામત કરવામાં આવી છે. જ્યારે બાકીના કામો પણ એક સપ્તાહમાં સત્વરે પૂર્ણ કરાશે. આ ઉપરાંત કુલ 55.86 કિ.મીના રસ્તાઓ પર ડામરના પેચ વર્કના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
રાજ્યની આ આઠ મહાનગરપાલિકાઓના વિવિધ માર્ગો પર 15.123 જેટલા પોટહોલ્સ-ખાડા હતા જેમાંથી તાત્કાલિક ધોરણે 15.004 ખાડા પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પણ સત્વરે પૂરી દેવાની કામગીરી આગામી દિવસોમાં પૂર્ણ કરાશે. આ મહાનગરપાલિકાઓમાં નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ 15,985 ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે 14,633 ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે.
આ ઉપરાંત મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વ્યાપી, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ અને પોરબંદર એમ ગુજરાતની નવી નવ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા અંદાજે 347 કિ.મી.ના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી યુદ્ધના ધોરણે 266 કિ.મી.થી વધુના રોડ-રસ્તાઓની મરામત કરવામાં આવી છે. જ્યારે બાકીના કામો પણ આગામી સમયમાં સત્વરે પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત કુલ 10 કિ.મી.ના રસ્તાઓ પર ડામર પેચ વર્કના કામો પૂર્ણ કરાયા છે.