ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું 2.32 કરોડ રૂપિયાનું ભાડુ બાકી
- સરકારના કાર્યક્રમો અને ખાનગી ઈવેન્ટ માટે અલગ અલગ દર નક્કી કરાયા છે
- બાકી ભાડા વસુલાતમાં સરકાર નિષ્ક્રિય હોવાનો વિપક્ષનો આક્ષેપ
- મહાત્મા મંદિરમાં સરકારના વિભાગો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે
ગાંધીનગરઃ પાટનગરમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મહાત્મા મંદિર બનાવવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર મહાત્મા મંદિરમાં વર્ષ દરમિયાન અનેક સરકારી ઇવેન્ટ અને કાર્યક્રમો યોજાતા હોય છે. મહાત્મા મંદિર કન્વેશન સેન્ટરના ઉપયોગ માટે સરકારી કે ખાનગી કંપની પાસેથી ભાડુ વસુલ કરવામાં આવતું હોય છે. જેમાં સરકારી અને ખાનગી એજન્સીઓ માટે ભાડાના દર નિયત કરવામાં આવે છે પરંતુ નિયમિત ભાડું ચૂકવવામાં આવતું નહીં હોવાથી મહાત્મા મંદિરનું 2.32 કરોડ રૂપિયાનું ભાડું બાકી હોવાની વિગત રાજ્ય સરકારે એક પ્રશ્નના જવાબમાં વિધાનસભામાં માહિતી આપી હતી. છેલ્લા ત્રણ વર્ષથી આ ભાડું વસૂલવાનું બાકી રહ્યું છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં મહાત્મા મંદિરનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષે એવો આક્ષેપ કર્યો કે, સામાન્ય રીતે પાર્ટી પ્લોટ ભાડે લેવો હોય તો એડ્વાન્સ ભાડુ કે ડિપોઝીટ આપવી પડે છે. જ્યારે મહાત્મા મંદિરમાં લાખો રૂપિયા ભાડું બાકી છે ત્યારે વસૂલાત માટે સરકાર જાણી જોઈને ઢીલાશ દાખવી રહી છે. એવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે, મહાત્મા મંદિરનું મેઇન્ટેનન્સ એટલું વધુ છે કે ગમે તે ઘડીએ તાળાં લાગી જાય તો નવાઈ નહીં,
સરકારે વિધાનસભા ગૃહમાં આપેલી માહિતી મુજબ વર્ષ 2022માં સરકારી કાર્યક્રમના ભાડા પેટે 22.68 લાખ, વર્ષ 2023માં સરકારી કાર્યક્રમના ભાડા પેટે 86.67 લાખ, વર્ષ 2024માં સરકારી કાર્યક્રમના 1.99 કરોડ અને ખાનગી કાર્યક્રમના 24.37 લાખ રૂપિયા મળીને કુલ 3.33 કરોડ રૂપિયાના ભાડાની વસૂલાત બાકી હતી. આ દરમિયાન 1લીથી 22 ફેબ્રુઆરી દરમિયાન 1.01 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. જેથી હવે 2.32 કરોડનું ભાડું વસૂલવાનું બાકી રહ્યું છે. આ મામલે સરકારની કંપની ગરૂડ દ્વારા વિવિધ વિભાગો સાથે પરામર્શ કરવામાં આવી રહ્યો હોવાનું સરકારે જણાવ્યું હતું.