ચેરીટી કમિશ્નર કચેરીમાં 'રિફોર્મ': હવે વહીવટ ઓનલાઇન કરાશે
ગાંધીનગર : કાયદો અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે તમામ કામગીરી ફરજિયાતપણે ઓનલાઇન કરવાના સ્પષ્ટ આદેશો આપ્યા છે. કચેરીની કાર્યક્ષમતા વધારવા માટે તેમણે હયાત હિસાબનીશ/નિરીક્ષકનું મહેકમ ત્રણ ગણું વધારવા અને આગામી બજેટમાં વાહનની જોગવાઈ કરવા માટે સૂચનાઓ આપી છે.
કાયદો અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિભાગના અગત્યના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીને તેના ત્વરિત નિરાકરણ માટે સચોટ સૂચનાઓ આપી છે. મંત્રીએ ખાસ કરીને ચેરીટી કમિશ્નર કચેરીના વહીવટ અને સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મંત્રી કૌશિક વેકરિયાએ વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે એક મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ચેરીટી કમિશ્નર કચેરી તથા તેની તાબાની તમામ કચેરીઓનું કામ ફરજિયાતપણે ઓનલાઇન કરવા માટે સ્પષ્ટ સૂચના આપી છે.આ પહેલને તાત્કાલિક અસરથી લાગુ કરવાના હેતુસર, મંત્રીએ કચેરીના ઉપયોગ માટે વધારાના 35 કોમ્પ્યુટર તુરંત ફાળવવા અંગે પણ જરૂરી સૂચના આપી છે. ચેરીટી કમિશ્નરની કચેરી અને તાબાની કચેરીઓમાં ખૂબ ઓછું મહેકમ હોવાની બાબતને ગંભીરતાથી લઈને મંત્રીએ કાર્યક્ષમતા વધારવા માટે મહેકમમાં ધરખમ વધારો કરવાના આદેશો આપ્યા છે.
હિસાબનીશ/નિરીક્ષક: હાલનું મંજૂર મહેકમ 38 છે, જેને વધારીને ત્રણ ગણું કરવા માટે નવી બાબત તરીકે આગામી બજેટમાં જોગવાઇ કરવા સૂચના આપવામાં આવી છે.
નાયબ ચેરિટી કમિશનર: હાલમાં 8 નું મંજૂર મહેકમ છે, તેને વધારીને 12 નું મહેકમ કરવા માટે નવી બાબતમાં સમાવેશ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત, મંત્રીએ ચેરીટી કમિશ્નર અને તાબાના અધિકારીઓ/નિરીક્ષક/કર્મચારીઓ માટે તપાસના કામે વાહનની જોગવાઇ કરવા અંગેના પ્રશ્નનું પણ નિરાકરણ લાવતાં, આ અંગે નવી બાબત તરીકે આગામી બજેટમાં જોગવાઈ કરવા સૂચના આપી છે.
વહીવટી સરળતા અને કર્મચારીઓના હિતમાં, સંયુક્ત કમિશ્નરની લાયકાત માટે જરૂરી 10 વર્ષના અનુભવના સંદર્ભમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં નાયબ ચેરિટી કમિશનર તરીકે બજાવેલ ફરજનો સમયગાળો પ્રમોશન પછીની સ્થિતિએ સળંગ ગણવા બાબત કાર્યવાહી કરવા પણ નિર્દેશ અપાયો છે. મંત્રી કૌશિક વેકરિયાના આ નિર્ણયો કાયદા અને ન્યાય વિભાગ હસ્તકની ચેરિટી કમિશનર કચેરીના વહીવટી માળખાને મજબૂત કરવા તેમજ કચેરીની કાર્યક્ષમતા અને આધુનિકીકરણમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવશે.
 
  
  
  
  
  
 