રામલીલા: મિસ યુનિવર્સ ઇન્ડિયા મનિકા વિશ્વકર્મા બનશે સીતાજી
લખનૌઃ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ પોતાના નામે કરી ચૂકેલી મનિકા વિશ્વકર્માને એક વધુ મોટી સિદ્ધિ મળી છે. મનિકા અયોધ્યામાં યોજાનારી રામલીલામાં સીતાનું પાત્ર ભજવશે. આ રામલીલામાં મનોજ તિવારી, રવિ કિશન, પુનીત ઇસર અને રજા મુરાદ જેવા જાણીતા કલાકારો જુદા જુદા પાત્રો ભજવશે.
22 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી રામકથા પાર્કમાં યોજાનારી આ રામલીલામાં દેશ-વિદેશના દર્શકોને અનોખો અનુભવ મળશે. રામલીલાના સંસ્થાપક અધ્યક્ષ સુભાષ મલિક (બૉબી) અને સંસ્થાપક મહાસચિવ શુભમ મલિકે જણાવ્યું કે આ વખતે વિશ્વની સૌથી મોટી રામલીલામાં દર્શકોને વધુ ભવ્ય પ્રસ્તુતિઓ જોવા મળશે. ગયા વર્ષે આ રામલીલાને રેકોર્ડબ્રેક 45 કરોડ લોકોએ જોઈ હતી, જે ઐતિહાસિક સિદ્ધિ છે.
દુનિયાના ખૂણે-ખૂણેથી આવનારા દર્શકો તેને વિશિષ્ટ અને અદ્વિતીય બનાવે છે. તેમણે જણાવ્યું કે રાજસ્થાનની રહેવાસી મનિકા વિશ્વકર્મા મિસ યુનિવર્સ 2025 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. મનિકાએ કહ્યું કે તે લાંબા સમયથી અયોધ્યા આવવાની ઈચ્છા રાખતી હતી, પરંતુ તક મળી નહોતી. હવે ભગવાન શ્રીરામની કૃપાથી સીતાનું પાવન પાત્ર ભજવવાનો મોકો મળી રહ્યો છે, જે તેમના માટે જીવનનો અનમોલ અનુભવ છે.
મનિકાએ પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે આ વર્ષ તેમના માટે અત્યંત ખાસ છે કારણ કે તેમને એકસાથે દેશનું પ્રતિનિધિત્વ કરવાની સાથે અયોધ્યાની રામલીલામાં મા સીતાનું પાત્ર ભજવવાનો પાવન અવસર મળ્યો છે. બૉબી મલિકે જણાવ્યું કે આ વખતે રામલીલામાં અનેક જાણીતા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પુનીત ઇસર પરશુરામ, મનોજ તિવારી બાલી, રવિ કિશન કેવટ, રાજેશ પુરી હનુમાનજી, મનીષ શર્મા રાવણ, રાહુલ ગુચ્ચર ભગવાન શ્રીરામ, રજા મુરાદ મેઘનાદ, અવતાર ગિલ રાજા જનક, રાકેશ બેદી વિભીષણ અને રાજન મોદી ભગવાન લક્ષ્મણની ભૂમિકા ભજવશે. શુભમ મલિકે જણાવ્યું કે સુપ્રસિદ્ધ કલાકારોનો સંગમ આ રામલીલાને વધુ આકર્ષક બનાવી દેશે. અયોધ્યાની રામલીલા માત્ર ધાર્મિક ઉજવણી જ નહીં પરંતુ સાંસ્કૃતિક વૈભવનું પ્રતિક છે.