રાજકોટ આરટીઓ દ્વારા 19 સ્કુલ-કોલેજોને બાકી વાહનવેરા ન ભરતા નોટિસ
- સ્કુલ-કોલેજના સંચાલકો ટ્રાન્સપોર્ટેશન ફી વસૂલતા પણ વેરો નહોતા ભરતા
- સ્કુલ-કોલેજોના વાહનોનો લાખો રૂપિયાનો વેરો બાકી
- નિયત સમયમાં વેરો ભરવા તાકીદ કરવામાં આવી
રાજકોટઃ શહેરમાં શાળા-કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને લાવવા-લઈ જવા માટે બસની સેવા આપવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી તો ટ્રાન્સપોર્ટેશન ફી વસૂલે છે, પરંતુ આરટીઓમાં લાંબા સમયથી વાહન વેરો ભરતા ન હોવાથી તાજેતરમાં જ આરટીઓ દ્વારા શહેરની 19 કેટલી શાળા-કોલેજોને નોટિસ ફટકારી વાહન વેરો ભરવા તાકીદ કરી છે. 19 શાળા કોલેજોનો લાખો રૂપિયાનો વેરો બાકી છે.
રાજકોટ આરટીઓ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની શૈક્ષણિક સંસ્થાઓને છેલ્લા એક વર્ષથી બાકી રહેલા વાહનોના ટેક્સ બાબતે નોટિસ આપી ટેક્સ ભરપાઈ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. આશરે કુલ રૂ. 2,40,000 જેટલો ટેક્સ સંસ્થાએ ભરપાઈ ન કર્યો હોવાનું ધ્યાને આવતા 19 સંસ્થાના વાહનોનો વેરો ભરવા નોટિસ આપવામાં આવી છે.
શહેરની જે 19 શૈક્ષણિક સંસ્થાને બાકી વેરો ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે તેમાં બાલમુકુન્દ એજ્યુકેશન ટ્રસ્ટ, જ્ઞાનગંગા એજ્યુકેશન સોસાયટી, એચ.એમ. દેવાનિયા ચેરિટેબલ ટ્રસ્ટ, કેશવ એજ્યુકેશન ટ્રસ્ટ, માતુશ્રી રમુબેન કેશવભાઈ ભૂવા ટ્રસ્ટ, માતુશ્રી જમકુબેન મણિલાલ શેઠ, રાજહંસ એજ્યુકેશન ટ્રસ્ટ, પરિમલ એજ્યુકેશન ટ્રસ્ટ, પૂર્વીશા એજ્યુકેશન ટ્રસ્ટ, સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ, સરદાર પટેલ સ્ટડી, આસ્થા ગ્રૂપ ઓફ એજ્યુકેશન, જ્ઞાનજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ, કૃતાર્થ કેવલાની ટ્રસ્ટ, ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ, સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ, વિઝન પ્રાઇમરી સ્કૂલ એન્ડ ટ્રસ્ટ, વ્રજભૂમિ વિદ્યા આશ્રમ ફાઉન્ડેશન, એસ.એન.એસ.ડી સ્કૂલને વાહનોના બાકી રહેલા ટેક્સ બાબતે ભરપાઈ કરવાના હેતુથી નોટિસ આપવામાં આવી છે.