ગુજરાતના આજે પણ વરસાદી માહોલ, સવારે પુરા થતા 24 કલાકમાં 44 તાલુકામાં વરસાદ પડ્યો
- હવામાન વિભાગ કહે છે, હજુ બે-ત્રણ દિવસ વરસાદ પડી શકે છે
- સોમવારથી તાપમાનમાં વધારો થવાની શક્યતા,
- 15મી મે બાદ પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ પડતા ચોમાસા જેવુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ હજુ બે-ત્રણ વરસાદના હળવા ઝાપટાં પડી શકે છે. આજે રવિવારે આકાશ વાદળછાયુ બન્યુ છે. જોકે રવિવારે બપોર સુધીમાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા નથી. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 44 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જેમાં સૌથી વધુ કૂતિયાણામાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના જામ કંડોરણા, ધરાજી, ઉપલેટા, ધ્રોળ, સાવરકુંડલા,તલાલા, ભેંસાણ, સહિત 44 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે રાજ્યમાં 13મી મે સુધી છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. જોકે કાલે સોમવારથી તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આજે રવિવારે આકાશમાં વાદળો છવાયા છે. આજે અને આવતીકાલે વરસાદી માહોલ છવાયેલો રહેશે આજે રાજ્યના તમામ જિલ્લામાં છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પવનની ગતિ 30 થી 40 કિમીની રહેશે. દરમિયાન હવામાનના જાણકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ આગામી તા. 14થી 18 મેની વચ્ચે એક પ્રિમોન્સુન એક્ટિવીટી થશે. બીજી પ્રિમોન્સુન એક્ટિવીટી મે મહિના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતુ હોય છે તેમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવી શક્યતા છે.
રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં આજે રવિવારે (11મી મે) 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની આગાહી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તેમાં આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે. આ સિવાય સોમવાર-મંગળવારના પણ અનેક જિલ્લામાં હળવા વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ છે.