ગુજરાતમાં આજે બપોર સુધીમાં 129 તાલુકામાં વરસાદ, 12 જિલ્લામાં ઓરેન્જ- યલો એલર્ટ
- રવિવારે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન 153 તાલકામાં વરસાદ પડ્યો,
- સૌથી વધુ ભિલોડામાં સાડા 6 ઇંચ વરસાદ,
- સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
અમદાવાદઃ રાજ્યમાં આજે બપોર સુધીમાં 129 તાલુકામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 11 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 12 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા છે, રાજ્યમાં સીઝનનો સરેરાશ વરસાદ 43.65 ટકા નોંધાયો છે.
ગુજરાતમાં એક સાથે વરસાદની ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જો કે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. દરિયાકાંઠે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાવની પણ શક્યતા વ્યક્ત કરી છે. આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સુરત, નવસારી અને ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભરૂચમાં જળબંબાકાર સર્જાયો છે. બજારોમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે. ત્યારે આવા ધસમસતા પાણીમાં કેટલાક બાળકો જોખમી મસ્તી કરતા જોવા મળ્યા હતા. વાંસદામાં 52 રસ્તા બંધ થયા છે. કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે રસ્તાઓ બંધ કરાયા છે. આજે બપોર સુધીમાં 129 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં તાપીના ડોલવાનમાં 5 ઈંચથી વધુ, સુરતના બારડોલીમાં પોણા પાંચ ઈંચ, વરસાદ પડ્યો હતો.
આજે રવિવારે સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 204 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં સવા છ ઇંચ, વ્યારામાં પોણા છ ઇંચ, ડોલવણમાં સવા 5 ઇંચ, પલસાણામાં પાંચ ઇચ, કપરાડા, સોનગઢ અને સુરતમાં પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના 50 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે 93 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
આજે એટલે કે 6 જુલાઈના રોજ રાજ્યના અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપ્યું છે. ગતરોજ પણ રાજ્યના અનેક પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને દ્વારકા, વલસાડના કપરાડા અને ધરમપુર તેમજ તાપીના વ્યારામાં અને અમદાવાદ અને વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તેમજ ઠેર-ઠેર પાણી ભરાયા હતા અને માર્ગો નદીઓમાં ફેરવાયા હતા