ભાવનગર - સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાની રેલવે મંત્રીએ કરી જાહેરાત
- રેલવે મંત્રીએ ભાવનગરથી અયોધ્યા ટ્રેનને આપી લીલીઝંડી,
- સુરતના રેલવે સ્ટેશનના રિનોવેશનની કામગીરી પૂર્ણ થતાં વંદે ભારત ટ્રેન શરૂ કરાશે,
- ભાવનગરના નવા બંદર ખાતે નવુ કન્ટેઈનર ટર્મિનલ બનાવાશે
ભાવનગરઃ કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા રવિવારે ભાવનગર અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પોતાના પ્રવચનમાં રેલવે મંત્રીએ ભાવનગર સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. ભાવનગર-સુરત વચ્ચે ખાસ ટ્રેન શરૂ કરવા છેલ્લા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી છે. ત્યારે રેલવે મંત્રીએ કરેલી જાહેરાતથી બન્ને શહેરોના પ્રવાસીઓને રાહત થશે.
કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ ભાવનગર અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, આ પ્રસંગે તેમણે પ્રવચનમાં કરતા જણાવ્યું હતું કે ભાવનગર અને સુરત વચ્ચે જબ્બર ટ્રાફિક હોવા અંગે મને જાણ કરવામાં આવી છે અને આ બંને શહેરો વચ્ચે વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનની ફાળવણી કરાશે. પરંતુ હાલમાં સુરતને ઉધના સ્ટેશનની કામગીરી શરૂ હોવાને કારણે એક વખત આ બંને સ્ટેશનોના કામ પૂર્ણ થઈ જશે એટલે તુરંત ભાવનગર સુરત વચ્ચે વંદે ભારત ટ્રેનની શરૂ કરવાની હૈયા ધારણા આપી હતી.
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર અયોધ્યા, પુણે-રીવા અને રાયપુર-જબલપુર ત્રણ ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી હતી. જો કે ત્યારબાદ ભાવનગર સ્ટેશનના નિર્માણ માટે ભાવનગરવાસીઓ ડિઝાઇન બનાવે, તેવી જાહેરાત કરી હતી. આ સાથે ભાવનગર નવાબંદર ખાતે નવું પોર્ટ બની રહ્યું છે તેના વિકાસ માટે નવું કન્ટેનર ટર્મિનલ બનશે જેના ફિલ્ડ માટેની વેરિફિકેશનનું કાર્ય થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું.
ભાવનગર, પોરબંદર, રાજકોટ માટે પણ વિકાસની કામગીરી શરૂ થઈ રહી છે. પોરબંદર વાંસજાળીયા જેતલસર નવી ટ્રેન શરૂ થશે. આ સાથે રાણાવાવ સ્ટેશન ખાતે કોચ મેન્ટેનન્સ સેવા 135 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવશે. પોરબંદર ભદ્રકાલી મંદિર ખાતે ફ્લાય ઓવર બનાવવામાં આવશે. આ સાથે સારડિયા વાંસજાળીયા નવી લાઈવ નાખવામાં આવશે.