રાહુલ ગાંધી 26મીને શનિવારે ફરીવાર ગુજરાતની મુલાકાતે આવશે
- આણંદમાં આયોજિત નવનિયુક્ત જિલ્લા પ્રમુખોના ટ્રેનિંગ પ્રોગ્રામમાં હાજરી આપશે,
- રાહુલ ગાંધી 4 મહિનામાં ચોથીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે,
- જિલ્લા કોંગ્રેસના પ્રમુખોને વધુ સત્તા અપાશે
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે દેશનું મહત્વનું રાજ્ય ગણાતા ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે કોંગ્રેસ અને એમ આદમી પાર્ટીએ પ્રયાસો શરૂ કર્યા છે. તાજેતરમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને પરાજ્ય આપીને જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી ફુલ ફોર્મમાં છે. ગઈકાલે અરવિંદ કેજરિવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવીને જાહેર સભાને સંબોધીને ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ત્યારે હવે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ ફરીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી આગામી તા. 26મીને શનિવારે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. આણંદમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોના તાલીમ કાર્યક્રમમાં રાહુલ હાજરી આપશે,
કોંગ્રેસ સંગઠનમાં સૃજન અભિયાનની ગુજરાતથી શરૂઆત કર્યા બાદ ગુજરાતમાં સંગઠનની રચના પૂર્ણ થઈ ચૂકી છે.અને રાહુલ ગાંધી ફરીવાર તા. 26મી તારીખે એક દિવસીય મુલાકાતે ગુજરાત આવી રહ્યા છે. રાહુલ ગાંધી આણંદમાં 26થી 28 જુલાઈ સુધી યોજાનારા કોંગ્રેસના કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરી રાજનીતિના પાઠ ભણાવશે. ગુજરાતના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. કોંગ્રસ દ્વારા જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવામાં આવશે. અને આગામી ચૂંટણીમાં સ્થાનિક લેવલે જ ઉમેદવારોની પસંદગીની સત્તા જિલ્લા પ્રમુખોને અપાશે.
રાહુલ ગાંધી હવે ગુજરાત પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આ પહેલાં રાહુલ ગાંધી 7-8 માર્ચ અને ત્યાર બાદ તેઓ 8-9 એપ્રિલે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત આવ્યા હતા. તેમજ અધિવેશન બાદ 16 એપ્રિલે મોડાસા આવ્યા હતા.જ્યાં તેમણે 1200 કાર્યકરોને સંબોધન કર્યું હતું. હવે તેઓ 26થી 28 જુલાઈ, 2025ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આમ તેઓ 4 મહિનામાં ચોથીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે તાજેતરમાં અમિત ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે. 30 વર્ષથી સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસે ફરી જૂના ચહેરા જ મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ ગાંધી સતત નવા ચહેરાઓને પ્રતિનિધિત્વ આપવાની વાતો કરતા રહે છે. 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવવા માટે રાહુલ સતત પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે.