સૌરાષ્ટ્રના માછીમારો દરિયો ખેડીને દક્ષિણ ગુજરાતમાં માછીમારી માટે આવતા વિરોધ
- ઉંમરગામમાં 10 ગામના માછીમારોએ 700 બોટ બંધ રાખી કર્યો વિરોધ
- જાફરાબાદના માછીમારો દાદાગીરીથી ફિશિંગ કરી રહ્યા છે
- સૌરાષ્ટ્રના માછીમારોને લીધે સ્થાનિક ફિશરમેનોની રોજી છીનવાઈ
વલસાડઃ ગુજરાતમાં 1600 કિલો મીટરનો દરિયા કિનારો આવેલો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારો માછીમારી કરીને રોજગારી મેળવતા હોય છે. સૌરાષ્ટ્રના માછીમારો દરિયામાં માછલીઓની શોધમાં છેક આંતરરાષ્ટ્રીય જળસીમામાં પણ ઘૂંસી જતા હોય છે. ઘણીવાર પાકિસ્તાન મરીનના હાથે પણ ઝડપાઈ જતાં હોય છે. હવે સૌરાષ્ટ્રના માછીમારો દક્ષિણ ગુજરાતના સમુદ્રમાં જઈ રહ્યા છે. તેથી દક્ષિણ ગુજરાતના માછીમારો ભારે વિરોધ કરવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના માછીમારોના વિરોધમાં દક્ષિણ ગુજરાતના 10 ગામોના માછીમારોને વિરોધ કરીને 700 જેટલી બોટ એક દિવસ માટે બંધ રાખી હતી.
વલસાડ જિલ્લાના દરિયામાં સૌરાષ્ટ્રના માછીમારો આવતાં સ્થાનિક માછીમારોએ વિરોધ નોંધાવ્યો છે. ઉમરગામના નારગોલ બંદર પર માછીમારોએ વિરોધ નોંધાવ્યો હતો. નારગોલ, ઉમરગામ, ખતલવાડા, ટીંભી, પડઘામ, મરોલી, દાંડી, કાલય જેવા 10 જેટલા ગામની 700 જેટલી બોટ એક દિવસ બંધ રાખી દરિયા કિનારે વિરોધ કર્યો હતો. જાફરાબાદ અને આજુબાજુના માછીમારો દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આવીને દાદાગીરીથી ફિશીંગ કરે છે .જેને લઇ સ્થાનિક માછીમારોની આજીવિકા પર માઠી અસર પડી છે. જેને લઇ દક્ષિણ ગુજરાતના માછીમારોએ અનેક રજુઆત કરી છતાં નિર્ણય ન આવતા નારગોલ,ઉમરગામ બંદરે વિરોધ કર્યો હતો.
દક્ષિણ ગુજરાતના માછીમારોની વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતાં આખરે તેઓએ એક દિવસીય હડતાળનો માર્ગ અપનાવ્યો હતો. તેઓએ પોતાની આવીજીવિકા પર ઉભા થયેલ પ્રશ્નો મામલે ગંભીરતાથી વિચારી યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી હતી. નોંધનીય છે કે અંદાજિત 2000 થી વધુ માછીમારો એક દિવસીય હડતાળ અને વિરોધમાં જોડાયા હતાં.