રોડ બનાવવાનો ખર્ચ પૂરો થયો હોવા છતાંયે ઉઘરાવાતા ટોલ ટેક્સ સામે વિરોધ
- અખિલ ગુજરાત ટ્રક-ટ્રાન્સપોર્ટ એસો. 21મીએ ટોલ ટેક્સનો બહિષ્કાર કરશે,
- વડોદરા-હાલોલ અને અડાલજ-મહેસાણા હાઈવેનો ખર્ચ વસુલાઈ ગયો, છતાં ટોલ ટેક્સ ઉઘરાવાય છે,
- સરકારને રજુઆત છતાંયે કોઈ નિરાકરણ આવતું નથી
અમદાવાદઃ ગુજરાતમાં રોડ બનાવવા માટે સરકારે કરેલો ખર્ચની વસુલાત માટે ટોલ ટેક્સ પ્લાઝા બનાવવામાં આવે છે. રાજ્યમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ટોલનાકા ઊબા કરી દેવામાં આવ્યા છે. આશ્વર્યની બાબત તો એ છે. કે, રોડ બનાવવાનો તમામ ખર્ચ વસુલી લીધો હોવા છતાંયે ટોલ વસુલવામાં આવી રહ્યો છે. જેમાં વડોદરા - હાલોલ અને અડાલજ - મહેસાણા રોડ બનાવવામાં આવેલા ખર્ચની તુલનામાં અનેક ગણા ટોલટેક્સની વસૂલાત કરવામાં આવી છે. તેમ છત્તા ટોલટેક્સ ચાલુ રાખવામાં આવ્યો છે. જેથી અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 21 ડિસેમ્બરથી ટોલ ટેક્સનો વિરોધ કરવામાં આવશે. તેમજ તે સાથે ગુજરાતના 16 લાખ જેટલા કોમર્શિયલ વાહન ધારકો ટોલ નાકા પર ટેક્સનો બહિષ્કાર કરશે. આ અંગે સરકારને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાંયે સરકાર દ્વારા કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.
ગુજરાતમાં ટોલનાકાની વધતા જતી સંખ્યાને લીધે વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ટોલનાકા દ્વારા કરોડો રૂપિયા વસુલી લીધા બાદ પણ કોન્ટ્રાક્ટરો અને સરકારના અધિકારીઓની મીલીભગતને કારણે વર્ષો સુધી ટોલ વસુલવામાં આવી રહ્યો છે. આ અંગે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના વડોદરાના વાઇસ પ્રેસિડેન્ટ મોહરસિંહ બિશુએ જણાવ્યું હતું કે. વડોદરા - હાલોલ અને અડાલજ - મહેસાણા રાજ્યનો વર્ષ 2001 અને 2003માં બનેલો પહેલો ટોલ રોડનો રૂ. 515 કરોડનો ખર્ચ થયો હતો. જેની સામે રૂ. 2574 કરોડની વસૂલાત થઈ ગઈ છે. તેમ છતાં 2023માં પૂરો થતો ટોલને કંપની દ્વારા વધારો કરી હજુ વર્ષ 2024 સુધી ટોલ ચાલુ રાખવાની માગ કરી છે.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ વડોદરા-હાલોલ રોડ પરથી રોજના 7 હજારથી પણ વધારે વાહન ચાલકો પસાર થાય છે. જેથી સરકાર દ્વારા બને રોડ પર ટોલ વસૂલવાનું બંધ નહીં કરાય તો 21 ડિસેમ્બરથી વ્યાપારિક વાહનો ટોલટેક્સ નહીં ભરે અને વિરોધ કરવામાં આવશે.