અમદાવાદમાં મોદી સ્ટેડિયમની બાજુમાં ટીપી રોડ માટે 29 મકાનોના ડિમોલિશન સામે વિરોધ
- ઓલિમ્પિકને લઈને અમદાવાદને સ્પોર્ટસ સિટી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે,
- બળદેવનગરના 29 મકાનો તોડી પાડવા મ્યુનિએ નોટિસ આપતા રહીશોને વિરોધ,
- સ્થાનિક રહિશોએ હાઈકોર્ટમાં ન્યાય માટે રિટ કરી
અમદાવાદઃ શહેરના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓલમ્પિકને લઈને મ્યુનિ. દ્વારા ટીપી રોડ ખોલવાનું આયોજન કરાયુ છે. જેના માટે ટીપી રોડ અંતર્ગત મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવ નગરમાં 29 જેટલા મકાનોને તોડી પાડવામાં આવશે. આ માટે એએમસી દ્વારા નોટિસ બળદેવનગરના રહિશોને નોટિસ આપવામાં આવી છે. જેને લઇને સ્થાનિક 29 જેટલા રહીશોએ ગુજરાત હાઇકોર્ટમાં ન્યાય માટે અરજ ગુજારી છે.
શહેરના મોટેરા વિસ્તારમાં ડેપો ચાર રસ્તાથી સીધો ટીપી રોડ સાબરમતી નદી તરફ ખુલે છે. જેમાં મોટેરાના બળદેવનગરના 29થી વધુ મકાનો તોડી પડાશે. મ્યુનિ. દ્વારા બળદેવનગરના સ્થાનિક રહિશોને નોટિસ અપાતા તેનો વિરોધ થયો છે. બળદેવનગરમાં 60 વર્ષથી લોકો વસવાટ કરી રહ્યા છે. સ્થાનિક રહિશના કહેવા મુજબ વર્ષો બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હવે ટીપી રોડ ખોલવા જઈ રહી છે. ઓલિમ્પિકને લઈને આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે સ્થાનિકોને જે વિકાસ થઈ રહ્યો છે અને ઓલિમ્પિક આવી રહ્યું છે તેના સામે કોઈ વાંધો નથી. પરંતુ બળદેવનગરમાં આવેલા મકાનોને સ્લમ ક્લિયન્સમાં ગણી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એક બેડરૂમ હોલ કિચનના મકાનો આપવામાં આવી રહ્યા છે. જેની સામે વાંધો છે અમને એક નહીં પરંતુ બે બેડરૂમ હોલ કિચનના મકાનો પણ સારી જગ્યાએ મળવા જોઈએ.
બળદેવ નગરના રહેવાસીઓના કહેવા મુજબ ટીપી રોડને લઈને કોઈ વાંધો નથી. બળદેવનગરમાં જે મકાનો આવેલા છે તે બે માળના છે. એએમસી આ જગ્યાને સ્લમ તરીકે ગણાવે છે. પરંતુ અહીં ધાબા વાળા પાકા મકાનો આવેલા છે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અમને ક્યાં મકાન ફાળવવાના છે એ ખબર નથી. સ્લમ રીડેવલોપમેન્ટના જ્યાં મકાનો બની રહ્યા છે ત્યાં ફાળવવામાં આવશે. એવુ કહેવામાં આવી રહ્યુ છે. મકાનો આ વિસ્તારમાં બે બેડરૂમ હોલ કિચનના આપવામાં આવે તેવી માગ છે.