વડનગરને ગુજરાતનું પહેલું “સ્લમ ફ્રી” શહેર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયું
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર દ્વારા મહત્વાકાંક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. હવે વડનગરને ગુજરાતનું પહેલું “સ્લમ ફ્રી” શહેર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેનાથી શહેરનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહેશે અને સાથે સાથે આધુનિક વિકાસ પણ થશે.
વડનગર શહેરના કુલ 300થી વધુ કુટુંબોને નવા ઘરોમાં પુનર્વસિત કરવામાં આવશે. આ ઉપરાંત વિકાસકાર્ય માટે 15 જેટલા વિસ્તારોમાંથી, અંદાજે 7 કરોડ રૂપિયાની કિંમતની જમીન મુક્ત કરવામાં આવશે, તેમજ પુનર્વસન માટે પાલિકા દ્વારા, જમીન ફાળવણીને મંજૂરી આપી દેવામાં આવી છે અને હવે ચોમાસા બાદ ઝડપી કામગીરી હાથ ધરાશે. દરેક સ્લમવાસીને 50 ચો.મી. પ્લોટ અને પાકું મકાન અપાશે, ત્યાં સુધી ભાડાની રકમ રાજ્ય સરકાર આપશે. એટલું જ નહીં નવા વિસ્તારોમાં સંપૂર્ણ સુવિધાઓ સાથે રહેઠાણ, રોડ, પાણી, કોમ્યુનિટી હોલ વગેરે ઊભાં કરાશે.
વિકાસ યોજના માટે ખાસ સમિતિ રચવામાં આવી છે, જેમાં કલેક્ટર મહેસાણા અધ્યક્ષ તરીકે અને પ્રાદેશિક કમિશ્નર સહિતના અધિકારીઓ સભ્ય તરીકે જોડાયેલા છે. પાલિકા, નગર આયોજન અધિકારી અને ચીફ ઓફિસરનો પણ સમાવેશ થાય છે.
- જમીન મુક્તિ સ્થળો
1. સોમનાથ મંદિર સામે (4717.09 ચો.મી.)
2. નજીકના દેવીપૂજક વાસ (1943.46 ચો.મી.)
આ વિકસિત યોજના અંતર્ગત આગામી બે વર્ષમાં વડનગરનું રૂપાંતરણ જોવા મળશે. પરંપરા અને આધુનિકતાના સમન્વય સાથે વડનગર હવે માત્ર ઐતિહાસિક નગરી નહીં, પણ ગુજરાતના મોડેલ હેરિટેજ અને ટૂરીઝમ સિટી તરીકે ઓળખવામાં આવશે.