દિવાળીના તહેવારોને લીધે ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં કરાયો તોતિંગ વધારો
- રેલવે ટ્રેનો અને એસટી બસોમાં બુકિંગ ફુલ થતાં પ્રવાસીઓ ખાનગી ટ્રાવેલ્સ તરફ વળ્યા,
- સિટિંગ અને સ્લીપર લકઝરી બસના ભાડામાં 300થી લઈને 500 રૂપિયા સુધીનો વધારો,
- લકઝરી બસોના ભાડામાં તોતિંગ વધારો છતાં સરકાનનું મૌન
અમદાવાદઃ આવતી કાલે વાઘ બારસથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થશે. શાળા-કોલેજોમાં પણ દિવાળી વેકેશનનો પ્રારંભ થયો છે. અને શહેરોમાં રહેતા બહારગામના લોકો દિવાળીના તહેવારોમાં પોતાના માદરે વતન જઈ રહ્યા છે, હાલ ટ્રેનોમાં અને એસટી બસોમાં મોટાભાગનું બુકિંગ ફુલ થઈ ગયું છે. ત્યારે ખાનગી ટ્રાવેલ્સમાં પ્રવાસીઓનો ધસારો વધતા ખાનગી બસ ઓપરેટરોએ બસના ભાડામાં તોતિંગ વધારો કરી દીધો છે.
અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને મુંબઈ સહિત શહેરોમાં રોજિંદી દોડતી મોટાભાગની વિવિધ ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસોમાં દિવાળી સુધીનું બુકિંગ ફુલ થઈ ગયું છે. ત્યારે પ્રવાસીઓના ધસારાનો લાભ લેવા માટે ખાનગી લકઝરી બસના ઓપરેટરોએ પણ ભાડામાં તોતિંગ વધારો કરી દીધો છે. ખાનગી બસોમાં પણ ઈન્કવાયરી વધી ગઈ છે, સુરતથી ભાવનગરની ટિકિટનો ભાવ તો એસીના 1000 અને નોન-એસીના 900 ચાલી રહ્યા છે. છતાં પણ ટિકિટ મળવી મુશ્કેલ છે.
ગુજરાતનાં અલગ અલગ શહેરોના લોકો મોટી સંખ્યામાં તહેવારો પર વતન થતા હોય છે. દર વર્ષે દિવાળી પહેલાં વતન જતા લોકો પાસેથી ખાનગી બસ સંચાલકો દ્વારા વધુ ભાડું લઈને લૂંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠતી રહે છે. દર વર્ષે ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં દોઢથી બે ગણો વધારો કરવામાં આવે છે. આ મામલે દર વર્ષે લોકો રોષ પણ વ્યક્ત કરે છે. હાલ પણ સામાન્ય દિવસમાં 600 રૂપિયા ટિકિટ હોય છે, એ વધીને દિવાળી પહેલાં 1100થી 1200 રૂપિયા થઈ જશે.
અમદાવાદથી રાજસ્થાન જતી ખાનગી ટ્રાવેલ્સ બસોએ પણ ભાડામાં વધારો કરી દીધો છે. અમદાવાદમાં રાજસ્થાનના ઘણાબધા લોકો રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા છે. અને દિવાળીના તહેવારોમાં માદરે વતન જતા હોય છે. ત્યારે ખાનગી બસ ઓપરેટરોએ ભાડામાં તોતિંગ વધારો કરી દીધો છે. અમદાવાદથી રાજકોટ, ભાવનગર, જામનગર, સહિત વિવિધ શહેરોમાં શહેરોમાં જતી ખાનગી લકઝરી બસના ભાડામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. હજુ પણ દિવાળી નજીક આવશે તેમ ભાડામાં વધારો કરવાની વાત પણ ખાનગી બસના સંચાલકો કરી રહ્યા છે. સામાન્ય દિવસ કરતાં આગામી 25 તારીખ સુધી બસના ભાડામાં દોઢથી બે ગણો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદથી રાજ્યભરમાં કોઈપણ જિલ્લામાં જતી ખાનગી બસનાં ભાડાંમાં તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, એટલે સામાન્ય દિવસ કરતાં સિટિંગ અને સ્લીપર એમ બંને બસના ભાડામાં 300થી લઈને 500 રૂપિયા સુધીનો વધારો કરી દીધો છે.