વડાપ્રધાન મોદીએ મારૂતિની ઈ-વિટારા કાર લોન્ચ કરીને બેટરી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું
- મારુતિ સુઝુકીની ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરાશે,
- મારૂતિકારનું ગુજરાતમાં ઉત્પાદન થવાથી યુવાનોને રોજગારી મળશે,
- બેચરાજી-માંડલ સર ભારતનું સૌથી મોટું ઓટોમોબાઇલ હબ બની રહ્યું છે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન મોદીએ આજે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર મારૂતિ વિટારા કારનું લોન્ચિગ અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાદ વડાપ્રધાન દિલ્હી જવા રવાના થયા હતા. ગુજરાતમાં બનેલી મારુતિ સુઝુકીની પહેલી ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિલો મીટર દોડશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે. બેચરાજી-માંડલ સર ભારતનું સૌથી મોટુ ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે.
મારુતિ સુઝુકીએ ગત જાન્યુઆરીમાં ઇન્ડિયા ગ્લોબલ મોબિલિટી એક્સપો 2025માં એની પહેલી ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારા રજૂ કરી હતી. મારુતિએ આ કારને બે બેટરી પેક વિકલ્પો સાથે રજૂ કરી હતી. આમાં 49kWh અને 61kWh બેટરી પેકનો સમાવેશ થાય છે. કંપનીનો દાવો છે કે આ કાર એકવાર ફુલ ચાર્જ થયા પછી 500 કિલોમીટરથી વધુ ચાલશે.
2012માં ગુજરાત સરકારે 44 ગામ, 50,884 હેક્ટરમાં માંડલ-બેચરાજી સર (MBSIR)ની જાહેરાત કરી હતી. MBSIR હવે ભારતનું સૌથી મોટું ઓટોમોબાઇલ હબ બની રહ્યું છે, જેમાં મુખ્યત્વે ઓટોમોબાઇલ, મેન્યુફેક્ચરિંગ અને આનુષંગિક ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત છે. એનો વિકાસ તબક્કાવાર થયો છે. અહીંની મુખ્ય કંપનીઓ અને રોકાણની વાત કરીએ તો મારુતિ સુઝુકી, હોન્ડા (ટૂ-વ્હીલર્સ), ફોર્ડ, SAIC, ટાટા મોટર્સ જેવી કંપનીઓ કાર્યરત છે. 2025 સુધીમાં રૂ. 12,000 કરોડનું રોકાણ આવ્યું છે. વાર્ષિક 10 લાખથી વધુ કારોનું ઉત્પાદન થાય છે, જે આગામી પાંચ વર્ષમાં 25 લાખ સુધી વધવાની અપેક્ષા છે.
સૂત્રોના કહેવા મુજબ મારુતિ ઉદ્યોગ લિમિટેડ દ્વારા જે મારુતિનું પ્રોડક્શન હરિયાણામાં હતું એની જગ્યાએ ગુજરાતમાં પણ ચાલુ કર્યું છે. અને એમાં ઈ-કારનું ગુજરાતમાં ઉત્પાદન કરવાનું છે ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે આ સમયની માંગ છે. જે પેટ્રોલ ડીઝલની અછત ન થાય અને ભવિષ્યમાં ઇલેક્ટ્રિકથી ગાડીઓ ચાલે અને પોલ્યુશન ઓછું થાય એના માટે મારુતિએ હંમેશા એગ્રેસિવ રહીને આ કારનું ઉત્પાદન કરવાનું કર્યું છે.
વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન હતું કે ગુજરાતમાં ઉદ્યોગો ડેવલપ થાય અને ગુજરાતમાં યુવાનોને રોજગારી મળે, ગુજરાત આગળ વધે એ માટે જ્યારે ગુજરાતમાં પ્લાન્ટ નાખ્યો છે ત્યારે આ પ્લાન્ટથી ખૂબ મોટો ફાયદો થયો છે અને રોજગારી પણ મળી રહી છે. અત્યારે સમયની માંગ પ્રમાણે ઈ-વ્હીકલની ડિમાન્ડ ખૂબ છે. થોડી કોસ્ટલી પડે, પરંતુ ગવર્મેન્ટ એમાં થોડી સબસીડી પણ આપવા જઈ રહી છે અને આપી રહી છે આરટીઓ રજીસ્ટ્રેશનમાં એટલે લોકોની ડિમાન્ડ ખરેખર ખૂબ સારી રહેશે.