ગિરનારમાં ગૌરક્ષનાથ મંદિરમાં મૂર્તિ તોડવાના કેસમાં પૂજારી અને તેનો સાગરિત આરોપી નિકળ્યા
- કમાણી વધારવા એક કાંડ કરવાનો છે' કહી મૂર્તિને પર્વત પરથી ધક્કો માર્યો હતો,
- પોલીસે CCTV, CDR અને FSLની મદદથી ગુનોનો ભેદ ઉકેલ્યો,
- કાચ થોડો તોડવામાં આવ્યો હતો, એમાંથી 50 કિલોની મૂર્તિ કેવી રીતે નિકળી શકે?
જુનાગઢઃ ગિરનાર પર્વત પર અંદાજે 5,500 પગથિયાં નજીક આવેલા ગુરૂ ગૌરક્ષનાથ મંદિરમાં ગઈ તા. 4 ઓક્ટોબરની રાત્રે મૂર્તિ તોડવાના બનાવમાં જૂનાગઢ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં મૂળ મહારાષ્ટ્રના અને છેલ્લા અઢી વર્ષથી જૂનાગઢમાં રહેતા પગારદાર સેવાદાર કિશોર કુકરેજા અને તેના સાથીદાર રમેશ ભટ્ટની ધરપકડ કરી છે. મંદિરના પૂજારીએ પોતાની કમાણી વધારવા અને લાઈમલાઈટમાં આવવા માટે આ ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું હતું.
જૂનાગઢ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ગંભીર ઘટના બાદ રેન્જ આઈજીની સૂચનાથી ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ, ગિરનાર રૂટ, રોપ-વે અને અન્ય જગ્યાઓના કુલ 156 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા. આ માટે 10 ટીમો અને ખાસ નેત્રમ ટીમને કામે લગાડવામાં આવી. ગિરનાર તળેટી અને પર્વત પરના ટાવર ડ્રમ અને લોકેશનના આધારે 500થી વધુ કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR) કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બની તે સમયે રોપ-વેમાં ગયેલા 170 જેટલા લોકોની ઓળખ કરી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તળેટીની હોટલો અને ધર્મશાળાઓમાં રોકાયેલા લોકોની પણ પૂછપરછ કરાઈ હતી.
પોલીસ સૂત્રોએ વધુમાં કહ્યુ હતું કે, તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી, ત્યારે કેટલીક શંકાસ્પદ બાબતો સામે આવી હતી. મંદિરનો કાચ એક બાજુથી તોડવામાં આવ્યો હતો, પરંતુ 50 કિલો વજનની મૂર્તિ તૂટેલા કાચમાંથી નીકળવી શક્ય નહોતી. પોલીસે આ શંકા દૂર કરવા FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની મદદ લીધી. જેવો કાચ તોડાયો હતો, તેવો જ નવો કાચ લગાવી અને તેટલા જ વજનની બીજી મૂર્તિ મંગાવીને સમગ્ર ઘટનાનો ડેમો કરવામાં આવ્યો હતો. ડેમોમાં સાબિત થયું કે, મૂર્તિને કાચ તોડીને બહાર કાઢવી અત્યંત મુશ્કેલ હતી. આ બાબતે પોલીસની શંકા દૃઢ બની કે આ કૃત્ય અંદરના કોઈ વ્યક્તિનું જ છે. દરમિયાન પોલીસે પૂજારીની પૂછતાછ કરતા બનાવનો ભેદ ઉલેકાયો હતો.