ગુજરાતમાં અસહ્ય તાપમાનને લીધે વીજ વપરાશ વધીને 25000 મેગાવોટને વટાવી ગયો
- અપ્રિલ મહિનાના પ્રથ 10 દિવસમાં વીજ વપરાશમાં થયો વધારો
- મહાનગરોમાં વાતાનુકૂલિત ઉપકરણોને લીધે વીજ વપરાશમાં વધારો
- માર્ચની તુલનાએ એપ્રિલના પ્રથમ 5 દિવસમાં 2000 મેગાવોટનો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી તાપમાનમાં વધારો થતાં વીજળીની માગ વધી હતી. અમદાવાદ સહિત મહાનગરોમાં અને નાન-મોટા શહેરોમાં વાતાનુકૂલિત ઉપકરણોના વપરાશને લીધે વીજળીનો વપરાશ વધ્યો હતો. અને વીજ માગ 25000 મેગાવોટને વટાવી ગઈ હતી. હજુ ઉનાળાની આકરી ગરમીના દિવસો બાકી છે. મે મહિનામાં રેક્રડબ્રેક તાપમાનની શક્યતા છે. ત્યારે વીજળી વપરાશ પણ વધશે.
ગુજરાતમાં એપ્રિલ મહિનાના પ્રારંભથી જ અસહ્ય ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે.આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે વીજ માગ પણ ગરમીના પારાની જેમ જ ઝડપભેર ઉપર જઈ રહી છે. એપ્રિલ મહિનાના પહેલા 10 દિવસમાં જ વીજ માગ 25000 મેગાવોટને પાર કરી ગઈ છે. માર્ચની સરખામણીએ એપ્રિલના પાંચ દિવસ દરમિયાન વીજ માગમાં 2000 મેગાવોટ વધારો થયો છે.
રાજ્યના ઊર્જા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે ગુજરાતની સૌથી વધારે 25500 મેગાવોટ જેટલી વીજ માગ જૂન મહિનામાં નોંધાઈ હતી અને આ રેકોર્ડ એપ્રિલ મહિનામાં થોડા માટે જ તૂટતા રહી ગયો છે. આમ છતા આ જ પ્રકારની ગરમી ચાલુ રહી તો એપ્રિલ મહિનામાં જ ગુજરાતની વીજ માગ 26500 મેગાવોટ સુધી પહોંચી જવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે. માર્ચ મહિનાના પહેલા નવ દિવસ અને એપ્રિલ મહિનાના પહેલા નવ દિવસની સરખામણી કરવામાં આવે તો એપ્રિલ મહિનાના પાંચ દિવસ એવા છે જ્યારે માર્ચ મહિનાની સરખામણીએ રાજ્યની વીજ માગ 2000 મેગાવોટ કરતા વધારે રહી છે. તેમાં પણ આઠ એપ્રિલે તો વીજ માગ વધીને 25321 મેગાવોટ પર પહોંચી ગઈ હતી.જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. તેના એક દિવસ પહેલા એટલે કે સાત એપ્રિલે પણ વીજ માગ 25283 મેગાવોટ રહી હતી.