અમદાવાદમાં શહેર શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન થવાની શક્યતા
- અમદાવાદ શહેર પૂર્વ અને પશ્વિમ એમ બે કચેરીઓ બનશે,
- કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા વિગતો મંગાવાઈ,
- અમદાવાદમાં શહેર વિસ્તારની બે અને જિલ્લાની એક એમ DEOની ત્રણ કચેરી બનશે
અમદાવાદઃ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન કરીને ડીઈઓની શહેરના પશ્વિમ અને પૂર્વ વિસ્તારમાં બે કચેરીઓ બનાવવામાં આવે તેવી શક્યતા છે, છેલ્લા અનેક વર્ષોની માંગણી અને રજૂઆતો તેમજ સ્કૂલોની હદની ગૂંચવણો વચ્ચે શિક્ષણ કમિશ્નરે અમદાવાદ શહેર ડીઈઓ-જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની વિભાજન કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેથી હવે અમદાવાદમાં પૂર્વની કચેરી અને પશ્ચિમન કચેરી એમ બે કચેરી બનશે.
રાજ્ય સરકારની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા અમદાવાદ શહેર ડીઈઓ પાસેથી સ્કૂલોની વિગતો માંગવામા આવી છે. સરકારે કચેરીના વિભાજન માટે પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારની નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી માટે જિલ્લા શિક્ષણાધિકારી વર્ગ-1ની જગ્યા મંજૂર કરી છે. જો કે, સંચાલકો દ્વારા મ્યુનિ કોર્પોરેશનની હદ મુજબ સ્કૂલોનું વિભાજન કરવા માંગણી કરી છે. અમદાવાદમાં હાલ શહેર ડીઈઓ હેઠળ પ્રાથમિક સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગીથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની 3500થી વધુ સ્કૂલો છે. જ્યારે ગ્રામ્ય ડીઈઓ કચેરી હેઠળ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો આવે છે. ગ્રામ્યની પ્રાથમિક સ્કૂલો ડીપીઈઓ-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી હેઠળ આવે છે. સરકાર દ્વારા અમદાવાદ શહેર ડીઈઓ કચેરીનું વિભાજન કરવાનું નક્કી કરાયુ છે અને જે માટે નાણાકીય જોગવાઈઓ પણ મંજૂર થઈ છે. જે મુજબ અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ બે ડીઈઓ કચેરી અલગ અલગ થશે.
કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા અમદાવાદ શહેર ડીઈઓ પાસેથી પોતાના હસ્તક આવતી તમામ સ્કૂલોની નામ સાથેની યાદી અને તમામ માહિતી સાથેની વિગતો મંગાવાઈ છે. આમ હવે અમદાવાદ શહેર ડીઈઓ કચેરી બે ભાગમાં વહેંચાશે અને પૂર્વમાં અલગથી નવી કચેરી બનશે. ઉપરાંત વર્ગ-1ના નવા અધિકારીથી માંડી નવા અધિકારીઓ-કર્મચારીઓનો સ્ટાફ મુકાશે. પરંતુ બીજી બાજુ સ્કૂલ સંચાલકોની માંગણી છે કે અમદાવાદમાં ડીઈઓ કચેરીનું વિભાજન કોર્પોરેશનના હદ-વિસ્તારને ધ્યાને રાખીને થવુ જોઈએ. કારણકે ગ્રામ્ય ડીઈઓ હેઠળ આવતી ઘણી સ્કૂલો કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવે છે. પરંતુ બીજી બાજુ એવી પણ માંગણી છે કે સ્કૂલોની યોગ્ય વહેંચણી થાય અને યોગ્ય વહિવટી કામગીરી થાય તે માટે હાલ જિલ્લામાં જે ત્રણ વર્ગ-1ના અધિકારી છે તે જ મુજબ ડીપીઈઓ હેઠળ ગ્રામ્યની તમામ સ્કૂલો અને શહેર પૂર્વમાં તમામ સ્કૂલો પૂર્વ ડીઈઓ હેઠળ અને પશ્ચિમની તમામ સ્કૂલો પશ્ચિમ હેઠળ રાખવી જોઈએ.